31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી સંસદનું બજેટ સત્ર

પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું અંદાજપત્ર
 
નવી દિલ્હી, તા .9 : સંસદનું શિયાળુ સત્ર સંપન્ન થયા બાદ હવે આગામી 31 જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલશે. જેમાં નાણામંત્રી અરૂણ જેટલી એક ફેબ્રુઆરીના રોજ 2019-20ના નાણાકીય વર્ષનું વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે.  આ નિર્ણય કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ દ્વારા લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની સંભાવનાને પગલે બજેટ સત્ર લોકસભાનું અંતિમ સંસદ સત્ર બની શકે છે. 
વચગાળાનું બજેટ આખા વર્ષના બજેટની જેમ જ હોય છે. જેમાં વર્ષના તમામ ખર્ચનું વિવરણ રજૂ કરવામાં આવે છે. આ બજેટ સરકાર માટે મહત્ત્વપૂર્ણ છે કારણે તેમાં ચૂંટણી પહેલા અમુક લોકપ્રિય ઘોષણા પણ થઈ શકે છે. જો કે ચૂંટણીના વર્ષમાં વચગાળાના બજેટમાં સીમિત સમય માટે જરૂરી સરકારી ખર્ચને જ મંજૂરી આપી શકાય છે. વર્ષ 2014માં તત્કાલિન નાણામંત્રી પી. ચિદમ્બરમે યુપીએ સરકાર માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ 2014ના જુલાઈ માસમાં એનડીએની સરકાર બનતા નાણામંત્રી અરૂણ જેટલીએ પુરૂ બજેટ રજૂ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer