એક્સ્પ્રેસવે પર સ્પીડ લિમિટ કેટલી? 80 કે 120 કિલોમીટર?

એક્સ્પ્રેસવે પર સ્પીડ લિમિટ કેટલી? 80 કે 120 કિલોમીટર?
મુંબઈ, તા. 9 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે પર કેટલી સ્પીડમાં ગાડી ચલાવવાની? કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા નિયમોને લીધે ગુંચવાડો ઊભો થયો છે.
થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે જોક નોટિફિકેશન બહાર પાડી દેશના તમામ એક્સ્પ્રેસ વે પરની સ્પીડ લિમિટ 120ની કરી હતી. જ્યારે મહારાષ્ટ્ર સરકારને આ સ્પીડ લિમિટ માન્ય ન હોય એવું લાગે છે. મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે પરના તમામ સાઈનબોર્ડ્સ પર મહત્તમ સત્તાવાર સ્પીડ 80 કિલોમીટરની દર્શાવી છે. આને લીધે પોલીસ અને મોટરચાલકો વચ્ચે જીભાજોડી રોજિંદી બાબત બની ગઈ છે.
એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે સ્પીડ લિમિટ વિશે જે અસ્પષ્ટતા છે તે તાબડતોબ દૂર કરવી જોઇએ.
જોકે, એક એક્સપર્ટે કહ્યું હતું કે મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર સ્પીડ લિમિટ 120 કરવાનું હિતાવહ નથી. આનું કારણ એ છે કે. આખો એક્સ્પ્રેસવે વૉકોચૂકો છે અને એક્સિડન્ટ માટે જાણીતો છે. 2002માં 94 કિલોમીટર લાંબો એક્સ્પ્રેસવે ખુલ્લો મુકાયો હતો અને ત્યારથી 5000થી વધુ એક્સિડન્ટ્સ થઈ ચુક્યા છે અને 1700 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ એક્સપર્ટે વધુમાં કહ્યું હતું કે સ્પીડ લિમિટ વધારવામાં આવશે તો સમસ્યા ઔર ગંભીર બની શકે છે. સ્પીડ લિમિટ જો વધારવી હોય તો એક્સ્પ્રેસવેનું ટૅગ હટાવવાની જરૂર છે. 120 કિલોમીટરની સ્પીડ લિમિટ કરવાને બદલે 100 કિલોમીટરની મહત્તમ સ્પીડ કરી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer