બન્ને કૉંગ્રેસ વચ્ચે હજી ત્રણ સીટ માટે ખેંચતાણ

બન્ને કૉંગ્રેસ વચ્ચે હજી ત્રણ સીટ માટે ખેંચતાણ
દિલ્હીમાં શરદ પવાર અને રાહુલ ગાંધીએ આઠ બેઠકમાંથી પાંચનો વિવાદ ઉકેલ્યો
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : આગામી લોકસભાની ચૂંટણીના મુદ્દે કૉંગ્રેસ અને નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રની સીટોની સમજૂતીના મુદ્દે થોડા આગળ વધ્યા છે. બન્ને પક્ષ વચ્ચે 48માંથી 40 બેઠકની સમજૂતી થઈ ગઈ છે. માત્ર આઠ બેઠકની ખેંચતાણ ચાલુ રહી છે.
ગઈકાલે દિલ્હીમાં કૉંગ્રેસના ચીફ રાહુલ ગાંધી અને નેશનાલિસ્ટ કૉંગ્રેસના ચીફ શરદ પવાર વચ્ચે મિટિંગ થઈ હતી અને એમાં આઠમાંથી પાંચ બેઠકનો વિવાદ સુલઝાવવામાં આવ્યો
 હતો. હજી બન્ને પક્ષ વચ્ચે પુણે સહિત ત્રણ બેઠકો વિશે ખેંચતાણ ચાલુ છે.
બુધવારે રાહુલ ગાંધી 6, જનપથ ખાતેના શરદ પવારના નિવાસસ્થાને ગયા હતા. તેમની સાથે મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રભારી મલ્લાકાર્જુન ખડગે પણ હતા. બન્ને નેતાઓએ મહારાષ્ટ્રની સીટ ફાળવણીની ચર્ચા કરી હતી.
જે પાંચ બેઠકોનો નિર્ણય કરાયો છે એમાં જાલના, ઔરંગાબાદ, ભિવંડી અને અહમદનગરનો સમાવેશ છે. પુણે બેઠક છોડવા એકેય પક્ષ તૈયાર ન હોવાનું કહેવાય છે. આને કારણે આ પ્રતિષ્ઠાની બેઠક બની ગઈ છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભમાં બન્ને નેતા વચ્ચે થયેલી આ પ્રથમ બેઠક છે. સીટ ફાળવણી ઉપરાંત અન્ય રાજકીય બાબતોની પણ ચર્ચા થઈ હતી. શરદ પવાર ત્રીજો મોરચો તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ સંદર્ભે પણ તેમની વચ્ચે ચર્ચા થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer