બેસ્ટની હડતાળ આજે પણ ચાલુ રહેશે

બેસ્ટની હડતાળ આજે પણ ચાલુ રહેશે
ખાનગી વાહનોને પ્રવાસીઓ લઈ જવાની છૂટ અપાઈ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : `બેસ્ટ'ના કર્મચારીઓની હડતાળને લીધે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બધી ખાનગી પ્રવાસી બસ, સ્કૂલ બસ, કંપનીની માલિકીની બસ અને માલવાહક વાહનોને પ્રવાસીઓનું વહન કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ મતલબનું નોટિફિકેશન આજે મહારાષ્ટ્રના ગૃહ ખાતા તરફથી બહાર પાડવામાં આવ્યું છે. હડતાળને કારણે નાગરિકોને વેઠવી પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
બેસ્ટ કામગાર યુનિયનોમાં ફાટફૂટ પડી હોવા છતાં આજે બીજા દિવસે બેસ્ટની હડતાળ બરકરાર રહી હતી. શિવસેનાની કામગાર સેનાએ હડતાળ પાછી ખેંચવાની ગઈ રાત્રે જાહેરાત કરતાં એવી આશા જાગી હતી કે આજે બેસ્ટની બસો થોડા પ્રમાણમાં દોડશે, પરંતુ આ યુનિયનના કામદારોએ હડતાળ ચાલુ રાખતાં બેસ્ટની હડતાળ યથાવત્ રહી હતી. આજે બેસ્ટ પ્રશાસને હડતાળનો નિવેડો લાવવા કામદાર સંઘટનો સાથે વાચતી કરી હતી, પરંતુ સમાધાન થયું નહોતું.
સત્તાવાળાઓએ બેસ્ટના કર્મચારીઓને મેસ્માની અને સરકારી કવાર્ટર્સ ખાલી કરવાની પણ નોટિસ આપી છે. આ નોટિસના વિરોધમાં બેસ્ટની ભોઈવાડા કૉલોનીના કર્મચારીઓના કુટુંબની મહિલા સભ્યોએ એક મોરચો કાઢ્યો હતો.
કામગાર સેનાના 11 હજાર કર્મચારી આજે કામ પર જોડાશે એવી જાહેરાત ખોટી પડી છે. આજે શિવસેનાના 11,000 કર્મચારીઓમાંથી 59 જ કામ પર ચડતાં હડતાળ જોરદાર રહી હતી. આથી આજે 500 બસ રોડ પર દેખાશે એવી શિવસેનાની વાત ખોટી સિદ્ધ થઈ છે.
વડાલા બસ ડેપોમાં આજે એક બસ પર પથ્થરમારો કરાયો હતો. આથી ડયૂટી પર હાજર થયેલા ગણ્યાગાંઠયા કર્મચારીઓ પોલીસની સુરક્ષાની મદદથી બહાર નીકળ્યા હતા. બેસ્ટ કામગાર સંઘટનાના અધ્યક્ષ સુહાસ સામંતે કહ્યું હતું કે અમે હડતાળ પાછી ખેંચી હોવા છતાં અમારા સભ્યોએ હડતાળ પાછી ખેંચી નથી.
બેસ્ટ  કર્મચારીની હડતાળને લીધે મુંબઈગરાના બેહાલ ન થાય એ માટે રેલવે, મેટ્રો અને એસટી વહારે આવ્યાં હતાં. જોકે, રિક્ષા, ટૅકસી અને ખાનગી બસચાલકોએ લૂંટ ચલાવી હતી. લોકોએ એવી ફરિયાદ કરી હતી કે કુર્લા પશ્ચિમથી બીકેસી ફેમિલી કોર્ટમાં જવાના શેરે રિક્ષાચાલકે 25 રૂપિયાને બદલે 40 રૂપિયા લીધા હતા. રિક્ષાચાલક  બેથી ચાર કિલોમીટર જેવા નાના અંતરે આવવા તૈયાર જ નહોતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer