દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે દિલ્હીની લીધી ગુપ્ત મુલાકાત

દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે દિલ્હીની લીધી ગુપ્ત મુલાકાત
નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કરી ગુફતેગૂ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મધરાતે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કરેલી વાતચીતને પગલે રાજકીય અટકળોએ વેગ પકડયો છે.
આ ચર્ચા મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવા વિશે હતી કે મહારાષ્ટ્રના પ્રધાનમંડળના વિસ્તરણ માટે હતી એ હજી સ્પષ્ટ થયું નથી. જોકે આ પ્રશ્નનો ઉત્તર આગામી થોડાં સપ્તાહમાં મળી શકશે.
મોદી અને શાહે રાતે 1 વાગ્યાથી સવારે 3.30 વાગ્યા સુધી ફડણવીસ સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ વહેલી સવારે ફડણવીસ મહારાષ્ટ્ર પાછા ફર્યા હતા.
આ મુલાકાત પાછળ મહત્ત્વની બાબત એ છે કે આજે સવારે જ વડા પ્રધાન મોદી મહારાષ્ટ્રના સોલાપુર આવવાના હતા એથી માત્ર થોડા કલાક અગાઉ જ ફડણવીસને છેક દિલ્હી સુધી બોલાવવા પડે એવો તાકીદનો કયો વિષય હોઈ શકે એ વિશે રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં ગઈ કાલે રાતે આર્થિક રીતે નબળા પરિવારો માટે સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા બેઠક અનામત રાખવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. એને મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની પાર્શ્વભૂમિ છે. એ વિશે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer