જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણ : તપાસાર્થે સીટની ટુકડીનો કચ્છમાં પડાવ

જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણ : તપાસાર્થે સીટની ટુકડીનો કચ્છમાં પડાવ
સામખિયાળીથી છેક અબડાસા સુધીનો વિસ્તાર આવરી કડીઓ મેળવવા પ્રયાસ કરાયો 
 
ભુજ, તા. 9 : કચ્છ ભાજપના ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ) આજે કચ્છ પહોંચી હતી, જેણે સામખિયાળીથી ગાંધીધામ અને ભુજ તથા અબડાસા સુધીના વિસ્તારમાં છાનબીન કરી હતી. 
અમદાવાદ ખાતે જયંતીભાઇના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ ગઇકાલે દાખલ કરાવેલી ફરિયાદ ઝીરો નંબરથી લખીને તેને ગાંધીધામ રેલવે પોલીસ મથકને મોકલાતાં કાવતરું રચીને હત્યા નીપજાવવા અને હથિયારધારા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ રેલવેના  નાયબ પોલીસ અધીક્ષક પી.પી. પિરોજિયાને અપાઇ હતી. 
દરમ્યાન, આ ચકચારી ખૂનકેસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી રેલવે પોલીસના અધિકારીઓની સીટની ટીમ તપાસના કામે આજે કચ્છ સુધી પહોંચી હતી. આ ટુકડીએ સામખિયાળીથી ભુજ સુધીનાં રેલવે મથકે સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજનો અભ્યાસ કર્યો હતો, તો અમુક લોકો અને રેલવેના સ્ટાફ સાથે વાતચીત કરી જરૂરી કડીઓ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ, ગાંધીધામ રેલવે મથકે આ ટુકડીએ વૈજ્ઞાનિક ઢબની છાનબીન ઉપકરણો સાથે કરી હતી. 
આ વચ્ચે મળતા અહેવાલ અનુસાર, સીટની ટુકડીની સાથોસાથ રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી પણ તપાસમાં સામેલ થતાં આજે કચ્છ સુધી પહોંચી હતી. આ ટુકડીએ ફરિયાદમાં જેમનાં નામ દર્શાવાયાં છે તેવાઓનાં સ્થાનોની તપાસ કરી હોવાની ચર્ચા પણ વહેતી થઇ હતી. અલબત્ત, આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નહતું. 
બીજી બાજુ, તપાસાર્થે કચ્છ સુધી પહોંચેલી આ ટુકડીઓ સાથે સ્થાનિક પોલીસ પણ તેની રીતે જરૂરી છાનબીનમાં પ્રવૃત્ત બની હોવાના અહેવાલ મળી રહ્યા છે. જયંતીભાઇની હત્યા ફરિયાદમાં બતાવાયેલાં કારણો મુજબ કે અન્ય કોઇ કારણોસર થઇ તે વિગતોનો તાળો મેળવવા માટેનો પ્રયાસ પણ કરાઇ રહ્યો છે.
દરમિયાન, હત્યા સંદર્ભે આજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિશદ્ ચર્ચા થઇ હતી. મુખ્યપ્રધાને ઘટનાને દુ:ખદ ગણાવી કસૂરવારો સામે યોગ્ય પગલા સત્વરે લેવા અને કડક હાથે પગલા
લઇ સજા અપાવવા સૂચનાઓ આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer