સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને આંચકો

સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને આંચકો
કથિત બનાવટી એન્કાઉન્ટર કેસમાં અંતિમ હેવાલ પક્ષકારોને આપવા નિર્દેશ

નવી દિલ્હી, તા. 9 (પીટીઆઇ): સુપ્રીમ કોર્ટે આજે 2002થી 2006 દરમ્યાન ગુજરાતમાં થયેલા 24 કથિત બનાવટી એન્કાઉન્ટર અંગેના ન્યાયાધીશ એચ. એસ. બેદી સમિતિના અંતિમ હેવાલની ગુપ્તતા જાળવવાની ગુજરાત સરકારની અરજી નકારી કાઢી હતી અને હેવાલની નકલ જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સહિતના અરજીકર્તાઓને આપવાનો આદેશ કર્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે અખ્તર અને હવે મૃત્યુ પામેલા વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગિસે આ કેસમાં અરજીઓ કરી છે ત્યારે તેમને સમિતિનો હેવાલ સોંપવો જોઇએ.
ન્યાયાધીશ એલ. નાગેશ્વર રાવ અને એસ. એસ. કૌલને સાંકળતી બેન્ચે જો કે સ્પષ્ટ કર્યું હતું કે તેઓએ 221 પાનાનો આ સમિતિનો હેવાલ સ્વીકાર્યો પણ નથી અને નકાર્યો પણ નથી. તેઓ આ પાસા અંગે મોડેથી નિર્ણય લેશે. અદાલતે રાજ્ય સરકાર સહિતના પક્ષોને કોઇ વાંધા હોય તો ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું.
સોલિસીટર જનરલ તુષાર મહેતા અન્ય અદાલતમાં એક ચાલુ કેસની સુનાવણીની દલીલોમાં વ્યસ્ત હોવાથી આ કેસની સુનાવણી મોકૂફ રાખવાની રાજ્ય સરકારના વકીલની માગણીથી સુપ્રીમ કોર્ટે નારાજી દર્શાવી હતી અને કહ્યું હતું કે પોતાની કામગીરી ગોઠવવાનું સોલિસીટર જનરલે જોવાનું છે. જો તેઓ દેશની પ્રથમ ટોચની કોર્ટમાં હાજર થવા ન માગતા હોય તો એમ રાખે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer