સવર્ણોને 10 ટકા અનામતનો ઐતિહાસિક ખરડો રાજ્યસભામાં પસાર

સવર્ણોને 10 ટકા અનામતનો ઐતિહાસિક ખરડો રાજ્યસભામાં પસાર
165 વિરુદ્ધ સાત મતોથી મળી સંસદ તરફથી મંજૂરીની મહોર
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 9 : આર્થિક રીતે નબળા વર્ગ (સવર્ણો)ને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં દસ ટકા અનામત બેઠકો આપતા ઐતિહાસિક ખરડાને રાજ્યસભામાં આજે દસ કલાકની ચર્ચા પછી મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં આ ખરડાને ગઈકાલે પસાર કરાયો હતો. આ ખરડો પ્રવર સમિતિને આપવાની દરખાસ્ત રાજ્યસભાએ નકારી કાઢી હતી.
રાજ્યસભામાં આ ખરડાની તરફેણમાં 165 અને વિરુદ્ધમાં સાત મત પડયા હતા. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સંસદના બન્ને ગૃહોમાં આ ખરડાને મંજૂર કરાવી શકી છે. દેશમાં અત્યાર સુધી જાતિ આધારિત અનામત બેઠકો અપાતી હતી. જોકે હવે મોદી સરકાર આર્થિક સ્થિતિના આધારે આરક્ષણ આપવાનો ખરડો સંસદમાં પસાર કરાવવામાં સફળ થઈ છે.
જોકે મોટા ભાગના વિરોધ પક્ષોએ આ ખરડાને ટેકો જાહેર કર્યો હતો પરંતુ સાથેસાથે તેના રજૂ કરવાના સમય સામે સવાલ કર્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતો કે સરકારનું આ પગલું આગામી લોકસભામાં ફાયદો મેળવવા માટે ભરવામાં આવ્યું છે.  લોકસભાની ચૂંટણી પહેલાં આ અનામત ખરડાના સમય સામે સવાલ કરતાં કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલી હારને કારણે સરકારને સવર્ણોના આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામત ખરડો લાવવાની ફરજ પડી છે. જો ભાજપ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત્યો હોત તો તે આ ખરડો લાવ્યો ન હોત એમ આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું.
ભાજપ તેના સાડા ચાર વર્ષ કરતાં વધુ સમયમાં આ ખરડો શા માટે લાવ્યો ન હતો. આ તો પાંચ રાજ્યો તેણે ગુમાવ્યા એટલે તે આ ખરડો લાવ્યો છે. `તમને ભાજપનો એવો સંદેશ મળી ગયો છે કે તમે સાચા માર્ગ પર નથી. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તે ભાજપ હારી જવાનો છે. તમને મોટો સંદેશ ટૂંક સમયમાં મળવાનો છે' એમ શર્માએ વધુમાં જણાવ્યું હતું.
તેમણે સરકારને એવો સવાલ કર્યો હતો કે જો 10 ટકા ક્વોટાનો અમલ થશે તો કોને ફાયદો થશે તેની સ્પષ્ટતા સરકાર કરે. કૉંગ્રેસ વંચિત, પછાત અને નબળા વર્ગોના લોકોને શિક્ષણ અને રોજગારના ફાયદા મળે એટલે અનામતના વિચારને ટેકો આપે છે. શર્માએ દર વર્ષે બે કરોડ રોજગારી ઊભી કરવાનું વચન આપવા માટે સરકાર પર પ્રહાર કર્યા હતા. જાહેર ક્ષેત્રની કંપનીઓમાં 2016-17માં 11.85 લાખ રોજગારી ઘટીને 11.31 લાખ થઈ ગઈ હતી અને તે ફરીથી ઘટીને 2017-2018માં 10.88 લાખ થઈ ગઈ હતી. જો આપણે આંકડા પ્રમાણે જોઈએ તો 10 ટકાના ક્વોટાથી તો 800 વર્ષમાં ગરીબી દૂર થશે. તમે સંસદના છેલ્લા સત્રમાં આ ખરડો શા માટે લાવ્યા? ભરતી પછી ઓટ આવે છે સબકા સાથ સબકા વિકાસ એ વિચાર સારો છે પરંતુ શું આવું થઈ રહ્યું છે? સમગ્ર દેશ સારા દિવસોની રાહ જોઈ રહ્યો છે. સરકારે સૌ પ્રથમ અર્થતંત્રને સુધારીને નોકરીઓનું નિર્માણ કરવું જોઈએ, એમ શર્માએ વધુમાં જણાવ્યું હતું. આ ખરડાને ચર્ચા માટે રજૂ કરતાં સામાજિક ન્યાય અને સશક્તીકરણ ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે આ ખરડાનો હેતુ લાભાર્થીઓને આર્થિક અને શૈક્ષણિક રીતે સશક્ત કરવાનો છે. આ ખરડો ઉતાવળે લાવવામાં આવ્યો હોવાના આક્ષેપને તેમણે ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે આ તો લાંબા સમયની માગણી હતી અને સરકાર આવા વર્ગોને ન્યાય આપવા માગતી હતી.
આ ખરડાને ટેકો આપતાં સમાજવાદી પક્ષના રામગોપાલ યાદવે એવી માગણી કરી હતી કે ઓબીસીને હવે 54 ટકા અનામત આપવી જોઈએ અને એસસી - એસટીનો ક્વોટા વધારીને 25 ટકા કરવો જોઈએ. તેમણે મુસ્લિમો માટે આરક્ષણની માગણી કરતા જણાવ્યું હતું કે તેમની હાલત તો દલિતો કરતાં ખરાબ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer