AIએ બાંદરા, કફ પરેડ, પ્રભાદેવી, ખારના ફ્લેટ ફરીથી લિલામીમાં મૂક્યા

મુંબઈ, તા.10 : રાષ્ટ્રીય વિમાની કંપની ઍર ઇન્ડિયાએ મુંબઈના બાંદરા, કફ પરેડ, પ્રભાદેવી અને ખારમાં આવેલા તેના કુલ સાત ફ્લેટ્સ ત્રણથી દસ કરોડ રૂપિયાની કિંમતે લિલામી માટે મૂક્યા છે. અગાઉ પણ ઍર ઇન્ડિયાએ આ પ્રોપર્ટી વેચાણમાં મૂકી હતી પરંતુ તેના કોઇ લેવાલ મળ્યા નહોતા. તેથી હવે ફરીથી આ લિલામીના બીડ બુધવારે ખુલ્લા કરાશે અને 30 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. 
જોકે નાણાભીડમાં ફસાયેલી ઍર ઇન્ડિયાએ નરીમાન પોઇન્ટ સ્થિત તેની માલિકીની જાણીતી ઍર ઇન્ડિયા બિલ્ડિંગને પણ લિલામીમાં મૂકેલી છે પરંતુ તેના સોદા માટે નિર્ણય લેવાનું બાકી છે. ઍર ઇન્ડિયાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગની ખરીદી માટે એક કંપની તરફથી બીડ મળ્યું છે અને વધુ એક કંપનીએ તેમાં રસ દાખવ્યો છે. હજુ આ બિલ્ડિંગ માટેના બીડ અૉપન છે. 
જે સાત ફ્લેટ્સ લિલામીમાં મુકાયા છે તેમાંના કફ પરેડ સ્થિત વિનસ અપાર્ટમેન્ટના ત્રણ બૅડરૂમ હૉલ કિચનના ફ્લેટની કિંમત 7.32 કરોડ રૂપિયા નક્કી કરાઇ છે, જ્યારે બાંદરાની કૉઝિહૉમ કો-અૉપરેટિવ સોસાયટીના ફ્લેટની કિંમત 10.36 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ રીતે જ પ્રભાદેવીની ટ્વીન ટાવર કો-અૉપરેટિવ સોસાયટીમાં આવેલા 1386 ચોરસ ફૂટ જગ્યા ધરાવતા ત્રણ ફ્લેટની પ્રત્યેકની કિંમત સાત કરોડ રાખી છે. આ યાદીમાં માહિમની નવ વિદ્યાલક્ષ્મી સોસાયટીના ત્રણ બૅડરૂમ હૉલ કિચનના ફ્લેટની કિંમત ત્રણ કરોડ રૂપિયા નક્કી કરાઇ છે તેમ જ ખારની સચીન દા સ્ટ્રેઇન્સ બિલ્ડિંગમાં આવેલા ત્રણ ફ્લેટમાંના ત્રણ બૅડરૂમ હૉલ કિચનના ફ્લેટની કિંમત 5.15 કરોડ રૂપિયા જ્યારે બે બૅડરૂમ હૉલ કિચન ધરાવતા બે ફ્લેટમાંથી એકની કિંમત 4.28 કરોડ અને બીજાની કિંમત 4.88 કરોડ રૂપિયા નક્કી કરી છે.  ઍર ઇન્ડિયાની આ પ્રોપર્ટી માટે અૉનલાઇન બિડિંગ પ્રક્રિયા રાજ્યની એમએસટીસી ઇન્ડિયા દ્વારા થઇ રહી છે અને એક ઇન્ટરનૅશનલ રિયલ એસ્ટેટ કન્સલટન્સી કંપની ઍર ઇન્ડિયાને ખરીદદારો શોધવામાં મદદ કરી રહી છે.     

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer