ગૃહિણીના વિનયભંગ પ્રકરણમાં ગુજરાતી CAની ધરપકડ

મુંબઈ, તા.10 : એકતરફી પ્રેમમાં પાગલ ચેમ્બુરના પચાસ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કેતન શાહની જાહેરમાં મહિલાના વિનયભંગના કેસમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ચેમ્બુરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટની આડશ તેમ જ જાહેર દીવાલો પર અને વિવિધ સાઇન બૉર્ડમાં જ્યાં જગ્યા મળે ત્યાં અંગ્રેજીમાં `લવ યુ ... ' બાદ એક ચોક્કસ મહિલાનું નામ લખીને જાહેરમાં તેને બદનામ કરનારા આરોપીની છેલ્લા કેટલાક સમયથી પોલીસ તલાશ કરી રહી હતી. ચેમ્બુરમાં એક દીવાલ પર તાજેતરમાં આવું લખીને પોતાની પૉશ કારમાં નાસી જવાના પ્રયાસમાં આ સીએ પકડાઇ ગયો છે.
છેલ્લા ઘણા સમયથી ચેમ્બુરમાં કેટલાંય જાહેર સ્થળોએ દીવાલો તેમ જ આડશોમાં અને સાઇન બૉર્ડમાં આવું લખાણ કરીને આરોપી નાસી જતો હતો અને તેના પર કોઇએ ધ્યાન નહોતું આપ્યું પરંતુ જે મહિલાનું નામ લખવામાં આવે છે તે મહિલાએ ડિસેમ્બરમાં ટિળક નગર પોલીસ સ્ટેશને અજ્ઞાત આરોપી વિરુદ્ધ વિનયભંગ અને પોતાની બદનામી થઇ રહ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ આ અજ્ઞાત આરોપીની તલાશમાં હતી. 
ફરિયાદ બાદ પોલીસે છ સ્થળોએ પંચનામું કરીને આવું વાંધાજનક એક સમાન લખાણ હોવાનું નોંધ્યું છે. ફરિયાદને ગંભીરતાથી લઇને પોલીસે તેના ખબરીઓને આસપાસમાં ધ્યાન રાખવાની સૂચના આપી હતી અને આરોપીને પકડી લેવા વિશેષ નજર પણ રાખી હતી. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એવી બાતમી મળી હતી કે એક વ્યક્તિ પોતાની પૉશ કારમાંથી ઊતરીને એક જાહેર દીવાલ પર કંઇક લખી રહ્યો હોવાનું જોવામાં આવ્યું છે. પોલીસે તુરંત જ બાતમી પ્રમાણેના રોડના સીસીટીવી કૅમેરાના ફૂટેજ જોયા તો એ સમયે આરોપી સીએની કાર એ વિસ્તારમાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે તેની વિરુદ્ધ મજબૂત સાંયોગિક પુરાવો કહી શકાય. 
પોલીસે આ કારના નંબરના આધારે શાહની અટક કરીને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીના જણાવ્યા પ્રમાણે તે આ ફરિયાદી મહિલાના એકતરફી પ્રેમમાં હતો અને આવી બદનામી કરવાનો અપરાધ તેણે કર્યો છે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer