આજે GSTની બેઠક : લઘુ વેપાર-ઉદ્યોગને રાહત મળશે ?

આજે GSTની બેઠક : લઘુ વેપાર-ઉદ્યોગને રાહત મળશે ?
નવી દિલ્હી, તા. 10 : આજે ગૂડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 32મી મિટિંગ મળી રહી છે. તેમાં નાના વેપારીઓ અને આમવર્ગ માટે રાહતો આપતી જાહેરાત થવાની આશા રખાય છે. જીએસટીને કારણે નાના વેપારીઓ માટે જીએસટીની સીલિંગ રૂા. 20 લાખથી વધારીને રૂા. 75 લાખ કરવાનો અનુરોધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે તે પ્રસ્તાવ આ મિટિંગમાં વિશેષ ચર્ચિત બનશે.
વધુમાં મધ્યમ વર્ગ માટેના અંડર કન્સ્ટ્રક્શન ફલેટ્સ પર જીએસટી 12 ટકા પરથી ઘટાડીને પાંચ ટકા કરાય એવી શક્યતા છે અને વર્ષે રૂા. 50 લાખનો વેપાર-ધંધો કરનારા વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશન અને રિટર્ન ભરવામાં છૂટછાટ અપાય એમ સુમાહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ સાથે જીએસટીની આવક વધે તે દિશામાં પણ સરકાર વિચારશે જેમાં લૉટરી પર જીએસટી વધારાય એવી શક્યતા છે.
આમ જીએસટી સંબંધિત મળેલાં સૂચનો તથા ફરિયાદોને ધ્યાનમાં રખાઇ છે. તે ઉદાર અને સરળ બનાવવામાં આવશે એમ વડા પ્રધાને કહ્યું હતું, ત્યારે એ પણ યાદ રાખવાનું કે ઘણા એવા લોકો છે કે જેઓ જીએસટી માટે તરહ તરહની અફવા ફેલાવે છે કે આ જીએસટી ટૅક્સ વધુ બોજ સમાન છે. મોદીએ કહ્યું કે હવે લગભગ 90 ટકા માલ-સામાનો પણ 18 ટકાથી પણ ઓછા કરની યાદીમાં આવે છે અને તેના પર 12 ટકા અથવા 18 ટકા એમ કોઈ ટૅક્સ લાગતો નથી. વડા પ્રધાને ત્યાં સુધી કહ્યું હતું કે તેમણે ટૅક્સ ઓછો કરવા અનુરોધ કર્યો હતો પણ કેટલાંક રાજ્યોએ તે સૂચનો મુશ્કેલી સર્જી શકે એવા પ્રત્યાઘાત આપ્યા હતા.
જીએસટી અંગેની જાહેરાતોમાં મહત્ત્વનું તો એ રહ્યું કે સરકારે કેરળ રાજ્યને પૂરગ્રસ્તોની સહાય માટે એસજીએસટી વાયા સેસ ઉઘરાવવાની છૂટ આપી છે. વધુમાં તૈયાર અને બાંધકામ હેઠળનાં મકાન માટેનાં ધોરણો વચ્ચે જે વિસંગતો છે તે દૂર કરવાની પણ કાઉન્સિલની મિટિંગમાં ચર્ચા થશે. ઉપરાંત નાના અને મધ્યમ કદનાં શહેરોમાં બધા પ્રકારની હૉસ્પિટલો ખોલાશે જેમાં સ્વાસ્થ્ય સેવા સાથે સ્થાનિક યુવાવર્ગને રોજગારી પણ મળી રહે એવો તેની પાછળનો આશય હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer