અયોધ્યા : હવે 29મી જાન્યુઆરી

અયોધ્યા : હવે 29મી જાન્યુઆરી
નવી દિલ્હી, તા. 10 : અયોધ્યા કેસની સુનાવણીની તારીખો જાહેર કરવાનું સુપ્રીમ કોર્ટે આજે ટાળતા હવે આ પ્રકરણ વધુ વિલંબમાં મુકાયું છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ અયોધ્યા પ્રકરણે સુનાવણીની તારીખો નક્કી કરવાની પાંચ જજની સંવિધાન પીઠ નીમી હતી તેમાંથી સિનિયર જજ યુ યુ લલિતે નીકળી જવાની ઇચ્છા વ્યક્ત કરતા તારીખો નક્કી કરવાની સુનાવણી હવે પછી 29મી જાન્યુઆરીએ નવી ખંડપીઠ દ્વારા થશે. એમ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું.
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની આગેવાનીમાં પાંચ સભ્યોની નવી બેન્ચે આજે સુનાવણી હાથ ધરી છે. અલાહાબાદ કોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 14 અરજીઓ પર આ સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટે નિર્ણય લીધો છે કે આ કેસમાં રોજ અને જલદી સુનાવણી થવી જોઈએ એમ વકીલ હરિનાથ રામે નવેમ્બરમાં જનહિતની અરજી દાખલ કરીને માગણી કરી હતી. 
 આ કેસમાં પહેલા સુનાવણી પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. 2 ઓક્ટોબરે તેમના નિવૃત્ત થયા પછી આ કેસને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના આગેવાનીવાળી બે સભ્યોની બેન્ચને સૂચિત કરવામાં આવ્યો હતો. આ બેન્ચે 4 જાન્યુઆરીએ કેસની સુનાવણીની તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી અને મંગળવારે 8 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી માટે પાંચ જજની બેન્ચ નક્કી કરવામાં આવી છે.
ભારતના પ્રધાન ન્યાયાધિશ રંજન ગોગોઈનો રામ જન્મભૂમિ-બાબરી મામલામાં સંવિધાનિક પીઠ બનાવવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો છે. સાથે આ નિર્ણય પોતાની રીતનો પહેલો છે. સુપ્રીમ કોર્ટમાં આવું પહેલાં ક્યારેય પણ થયું નથી જ્યારે મુખ્ય ન્યાયાધિશના પ્રશાસનિક આદેશ પર એક સંવિધાનિક પીઠની રચના કરવામાં આવી હોય અને તે માટે કોઈ નાની બેન્ચે સલાહ પણ નથી આપી અને ન આવા કોઈ પ્રશ્ન ઊભા થયા છે, જેના કારણે આ રીતની બેન્ચની
જરૂરત પડે. 
જસ્ટિસ ગોગોઈનો આદેશ એટલા માટે અનોખો છે, કારણ કે, આનાથી આજ મામલામાં ત્રણ જજની બેન્ચના તે આદેશને પણ રદ કરી દેવામાં આવ્યો છે, જેમાં સંવિધાનિક પીઠની માગને ફગાવી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ મંગળવારે સાંજે એક નોટિસ જાહેર કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, રામ જન્મભૂમિ મામલાની સુનાવણી 10 જાન્યુઆરીથી પાંચ જજની સંવિધાનિક પીઠ કરશે. આ પીઠમાં મુખ્ય ન્યાયાધિશ ગોગોઈ, જસ્ટિસ એસ બોબડે, એનવી રમના, ઉદય લલિત અને ડીવાય ચંદ્રચૂડ સામેલ હશે. 
ગત સાત સપ્ટેમ્બરમાં ત્રણ જજની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે, રામ જન્મભૂમિ-બાબરી મામલાને સંવિધાનિક પીઠને મોકલવા માટેની કોઈ જરૂરત નથી. 2-1ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલાને પૂરી રીતે જમીન વિવાદની જેમ સાંભળવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer