ટીસીએસનો ત્રિમાસિક નફો 2.6 ટકા વધી રૂા. 8105 કરોડ થયો

ટીસીએસનો ત્રિમાસિક નફો 2.6 ટકા વધી રૂા. 8105 કરોડ થયો
ડિસેમ્બર ત્રિમાસિકમાં 12.1 ટકાની મજબૂત આવક વૃદ્ધિ થઈ

મુંબઈ, તા.10 : સોફ્ટવેર કંપની તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 2.6 ટકા વધીને રૂા. 8,105 કરોડ થયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીને રૂા. 7,901 કરોડનો નફો થયો હતો. સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક ત્રિમાસિક ધોરણે 1.3 ટકા વધીને રૂા. 37,338 કરોડ થઈ છે. 
નફામાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ 24.1 ટકા વધી છે, જ્યારે આવક ચલણના હિસાબે વાર્ષિક ધોરણે 12.1 ટકા વધી છે, જે છેલ્લા 14 ત્રિમાસિકમાં સૌથી વધુ છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટીવ અૉફિસર અને મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને કહ્યું કે, ડિસેમ્બર ત્રિમાસિકમાં 12.1 ટકાની મજબૂત આવક વૃદ્ધિ થઈ હતી, જે છેલ્લા 14 ત્રિમાસિકમાં સૌથી વધુ છે. કંપનીના વિવિધ મહત્ત્વના વિભાગો અને તમામ દેશોમાં વૃદ્ધિ દર યથાવત્ રહ્યો છે. 
ડૉલરની દૃષ્ટિએ આવક ત્રિમાસિક ધોરણે 0.67 ટકા વધીને 525 કરોડ ડૉલરની થઈ છે, કરન્સીમાં વૃદ્ધિ 1.8 ટકા હતી, જે તે પહેલાના ત્રિમાસિકમાં 3.7 ટકા હતી. 
ગોપીનાથને કહ્યું કે, વધુ ગ્રાહકો, ડિજિટલ સર્વિસીસમાં ઉદ્યોગની વૃદ્ધિ, સારા પ્રમાણમાં ઓર્ડર અને સતત સોદા થતા રહેવાથી ગ્રાહકો અમારી ક્ષમતાથી અવગત થયા હતા અને કંપનીની વૃદ્ધિ થઈ હતી, તેમ જ કાયાપલટ થઈ હતી. કંપનીના નફામાં ડિજિટલ આવકનો ફાળો ડિસેમ્બર ત્રિમાસિકમાં 30.1 ટકાનો રહ્યો, જે તે પહેલાના ત્રિમાસિકમાં 28 ટકાનો હતો. 
કામકાજ નબળું રહેવાથી કાચો નફો 2.12 ટકા ઘટીને રૂા. 9,564 કરોડ હતો, જ્યારે માર્જિન સપ્ટેમ્બર ત્રિમાસિકના 26.5 ટકાથી ઘટીને ડિસેમ્બર ત્રિમાસિકમાં 25.6 ટકાનું રહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer