રાહુલ ગાંધીને મહિલા પંચની નોટિસ રાજકારણ પ્રેરિત : કૉંગ્રેસનો આક્ષેપ

``આવી તો કેટલી નોટિસો મોદી-શાહને મોકલી શકાઈ હોત''
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 10 : કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને નેશનલ કમિશન ફોર વીમેન (એનસીડબ્લ્યુ) દ્વારા મોકલવામાં આવેલી નોટિસને રાજકારણ પ્રેરિત ગણાવી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ ભારતીય રાજકારણના સંભાષણને ગટરના સ્તરે લઈ ગયા છે.
`એનસીડબ્લ્યુની નોટિસ રાજકીય હેતુથી આપવામાં આવી છે અને આવી અનેક નોટિસો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહને મોકલવી જોઇતી હતી. પોતાના હોદ્દાની ગરિમાને વારંવાર નીચી પાડતા વડા પ્રધાનની ટીકા કરવાની સુષમા સ્વરાજમાં હિંમત છે? વડા પ્રધાન પોતે જ રાજકીય સંભાષણને નીચલી પાયરીએ લઈ ગયા છે એમ આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું.
એ વાત સાચી નથી કે રાહુલ ગાંધી રાજકીય ચર્ચાનું ધોરણ નીચે લાવ્યા છે. ખરેખર તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમન અને નાણાપ્રધાન અરુણ જેટલીનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જો તેમનામાં હિંમત હોય અને સત્યના પડખે રહેવા માગતા હોય તો તેમણે સંસદમાં આવવું જોઇતું હતું એમ આનંદ શર્માએ જણાવ્યું હતું. 
`તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અને આજે પણ જે રીતે તેઓ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે તેમને તેમના હોદ્દાની ગરિમાની પડી નથી. તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીઓના પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી સામે તેમણે કેવો શબ્દપ્રયોગ કર્યો હતો? એમ શર્માએ વધુમાં જણાવ્યું હતું.
કૉંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આવી ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે રાજકીય ચર્ચાઓનું ધોરણ નીચે લાવવા માટે ભાજપ જવાબદાર છે. ``જો કોઈ પક્ષે રાજકીય ચર્ચાઓનો મોભો ઘટાડયો હોય તો તે ભાજપ છે અને તેની શરૂઆત નરેન્દ્ર મોદીથી થાય છે. નરેન્દ્ર મોદીએ સોનિયા માટે `કૉંગ્રેસ વિધવા' અને `ઇટાલિયન ગાય' જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. મને લાગે છે કે આવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ સુષમા સ્વરાજે નરેન્દ્ર મોદીની ટીકા કરવી જોઈએ' એમ પ્રિયંકા ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું હતું.
પ્રિયંકા ચતુર્વેદીએ એનસીડબ્લ્યુનાં ચૅરપર્સન રેખા શર્મા પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે રાજકીય નથી, પરંતુ મહિલાઓ તરફની છે. એટલે તેઓ ત્યારે કેમ ચૂપ રહ્યાં હતાં જ્યારે મહિલા પત્રકારોને રૂપજીવિનીઓ કહેવામાં આવી હતી? કથુઆ અને ઉન્નાવ કેસ વખતે તેઓ શા માટે ચૂપ હતાં? આ નોટિસ જોતાં એવું લાગે છે કે તેઓ તેમની રાજકીય જવાબદારી બજાવી રહ્યાં છે અને બંધારણીય જવાબદારી પૂરી કરતા નથી' એમ ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું હતું.
અગાઉ સંસદમાં સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમન સામે અભદ્ર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને એનસીડબ્લ્યુએ નોટિસ મોકલાવી હતી. રાહુલ ગાંધીએ એવી ટિપ્પણ કરી હતી કે રફાલ સોદા પરના સવાલોના જવાબ આપવા વડા પ્રધાન એક મિનિટ માટે પણ સંસદમાં આવતા નથી અને પોતાને બચાવવા લેડી (નિર્મલા સીતારમન)ને મોકલી દે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer