BKCમાં અનધિકૃત પાર્ક કરાયેલાં વાહનો પર સખત કાર્યવાહી કરવામાં થશે

મુંબઈ, તા. 10 : બાંદ્રા-કુર્લા કૉમ્પ્લૅક્સ (બીકેસી) માં કરવામાં આવતાં અનધિકૃત અને બેશિસ્ત પાર્કિંગ પર રોક લગાડવા માટે એમએમઆરડીએએઁ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેથી બેશિસ્ત રીતે પાર્કિંગ કરાયેલાં વાહનોને ઉપાડવા ટોઈંગ વેન અને ટ્રાફિક પોલીસની મદદ લેવાશે. 
નરીમાન પોઈન્ટ, લોઅર પરેલ અને ચર્ચગેટ બાદ બીકેસી વ્યાપારનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અનેક ખાનગી અને સરકારી અૉફિસો અહીં આવેલી છે. તેમ જ નવા બાંધકામોને લીધે કૉમ્પ્લેક્સમાં જગ્યા પણ હવે ઓછી રહી છે. બીકેસી વ્યાપારનું કેન્દ્ર બન્યું હોવાથી દિવસે દિવસે અહીં ગીરદી પણ વધતી જાય છે. દિવસ દરમિયાન સરેરાશ 20,000 વાહનોની અવરજવર થાય છે. તેમાંથી મોટા ભાગનાં વાહને અધિકારીઓના હોય છે. જ્યારે બાકીના કામ નિમિત્તે કાર્યાલયમાં આવતા લોકોનાં હોય છે. તેથી વાહનોની સંખ્યામાં વધારો થાય છે. આ વાહનોના પાર્કિંગ માટે એમએમઆરડીએએ ઠેકઠેકાણે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી હતી. કૉમ્પલેક્સમાં કેટલીક જગ્યાએ બે માળ સુધી પાર્કિંગની વ્યવસ્થા છે. તેમ છતાં લોકો રસ્તા પર અથવા કૉમ્પ્લેક્સની અંદર આવવાના રસ્તા પર વાહનો પાર્ક કરે છે. તો કેટલીક વાર ડબલ પાર્કિંગ પણ કરે છે. તેથી બીજા વાહનોને આવવા-જવામાં તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. 
કૉમ્પ્લૅક્સના મુખ્ય રસ્તા પર એક બાજુ સાઇકલ ટ્રેક માટે અનામત રાખવામાં આવ્યો હતો. પરંતુ સાઇકલ ટ્રેકની યોજનાને યોગ્ય પ્રતિસાદ ન મળતાં તે જગ્યા બસ માટે રાખવામાં આવી હતી. જ્યારે આ જગ્યામાં અનેક વાહનો ઘૂસણખોરી કરે છે અને હવે તો આ જગ્યાએ વાહનો પણ પાર્ક કરવામાં આવાતાં હોવાનું દેખાઈ રહ્યં છે. 
એમએમઆરડીએના અધિકારીએ આપેલી માહિતી મુજબ, બીકેસીમાં બેશિસ્ત રીતે પાર્કિંગ કરતા લોકોને એમએમઆરડીએએ ચેતવ્યા હતા. પરંતુ તેમને કોઈ ફરક પડયો નહોતો. તેથી હવે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની જોડીને એક ટોઈંગ વેન આપવામાં આવશે અને બેશિસ્ત રીતે પાર્ક કરાયેલાં વાહનોને તાત્કાલિક ટોઈંગ વેનથી ટો કરવામાં આવશે અને ત્યારબાદ વાહનના માલિક પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer