ભાજપ સાથે યુતિનો ફેંસલો આજે : આદિત્ય ઠાકરે

ભાજપ સાથે યુતિનો ફેંસલો આજે : આદિત્ય ઠાકરે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : યુતિની ચર્ચા જોરમાં ચાલુ છે. દહીંહંડીમાં અનેક થર હોય છે. તેથી યુતિની ચર્ચામાં અમે ચોક્કસ કયા થર ઉપર છીએ તે આવતી કાલે દિલ્હીમાં નક્કી થશે એમ સૂચક વક્તવ્ય શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ નાશિકમાં કર્યું છે.
ભાજપ અને શિવસેના વચ્ચેના તાણભર્યા સંબંધો અને યુતિ તૂટવાને આરે હોવાની ચર્ચા વચ્ચે આદિત્ય ઠાકરેએ ગુરુવારે નાશિકમાં આરોગ્ય વિજ્ઞાન વિદ્યાપીઠમાં `મ્હાડા'ના મુક્તછંદ મહોત્સવના ઉદ્ઘાટન સમયે આ વક્તવ્ય આપ્યું હતું. ભાજપની કારોબારી સમિતિની બેઠક આવતી કાલે દિલ્હીમાં યોજાવાની છે તેની પૂર્વસંધ્યાએ આદિત્ય ઠાકરેએ કરેલા વિધાનને સૂચક માનવામાં આવે છે.
આદિત્યએ જણાવ્યું હતું કે દહીંહંડીની રમતમાં એક ટીમ હોય છે. એકમેક ઉપર વિશ્વાસ હોય છે. અમે કયા થર ઉપર રહેવાના છીએ તે તમે (મધુ ચવ્હાણ) આવતી કાલે દિલ્હીમાં નક્કી કરવાના છો. અમારા વચ્ચે કેટલાક વિવાદ કે મતભેદ થયા હશે. તે અંગે અમે સ્પષ્ટીકરણ નહીં આપીએ. મારી બાજુમાં મધુ ચવ્હાણ બેઠા છે. અમે કેટલીય વાર કાર્યક્રમમાં સાથે હોઈએ છીએ. 
તેઓએ આજે મને ગુલાબનું ફૂલ આપ્યું છે. આવતી કાલે તે કેસરી થવાનું છે, પણ હજી કમળ અંગે કંઈ બોલ્યા નથી એમ આદિત્ય ઠાકરેએ ઉમેર્યું હતું.
લાતુરમાં ગત રવિવારે અમિત શાહે કાર્યકર્તા સંમેલનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં યુતિ થાય તો ઠીક છે, નહીં તો ચૂંટણી જંગમાં વિરોધીઓની સાથે સાથીપક્ષને પટકી પાડશું. બાદમાં ગઈકાલે બિડમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો હલ થવા જોઈએ. યુતિની ચર્ચા ગઈ ખાડામાં એમ ઉદ્ધવે ઉમેર્યું હતું.
દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં શિવસેના સાથે યુતિ વિશે શું નિર્ણય થાય છે તે જોવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer