વડા પ્રધાન મોદીને યાદ આવ્યા જૂના સહયોગીઓ

વડા પ્રધાન મોદીને યાદ આવ્યા જૂના સહયોગીઓ
તામિલનાડુના કાર્યકરો સાથે વાતચીતમાં કહ્યું, જૂના મિત્રોની કદર, દરવાજા હંમેશાં ખુલ્લા છે
 
ચૈન્નઈ, તા. 10 : ભાજપે લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 જેવી સફળતા દોહરાવવા માટે દરેક પ્રયાસો કરી છુટવાની કવાયતમાં છે. તેમાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપે દક્ષિણ ભારતના રાજ્યો ઉપર નજર કેન્દ્રીત કરી છે. જેમાં પીએમ મોદીએ આજે એનડીએના પૂર્વ સહયોગી પક્ષોને ફરી એક વખત ગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. અટલબિહારી વાજપેઈનું નામ લઈને મોદીએ તામિલનાડુના રાજકીય દળો તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. 
તામિલનાડુ ભાજપ કાર્યકર્તાઓ સાથે વિડિયો કોન્ફરન્સમાં વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા દરમિયાન પૂર્વ સહયોગીને સાથે આવવાનો સંકેત આપ્યો હતો. કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, રાજનીતિક દળોના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને ભાજપ જુના મિત્રોની કદર કરે છે. કહેવાય રહ્યું છે કે, પીએમ મોદી ચૂંટણી પહેલા સંભવિત મહાગઠબંધનનો માર્ગ રોકવા માટે સહયોગી પક્ષોને એકજુથ કરવાનો દાવ રમી રહ્યા છે. તામિલનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકે, અભિનેતા રજનિકાંતની પાર્ટી કે ડીએમકે સાથે ગઠબંધનની ચર્ચામાં મોદીએ કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા અટલજી સફળ ગઠબંધનની રાજનીતિ લઈને આવ્યા હતા. ભાજપે હંમેશા અટલજીએ બતાવેલા રસ્તાને અનુસર્યો છે. 
મોદીએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, એનડીએની મજબુતી પરસ્પર વિશ્વાસથી સાબિત થાય છે.  જેમાં કોઈ મજબુરી નથી. જ્યારે ભાજપ પૂર્ણ બહુમતિથી જીત્યો ત્યારે પણ સહયોગીઓને સાથે રાખીને સરકાર ચલાવવા ઉપર  ભાર મુકવામાં આવ્યો હતો.  મોદીના કહેવા પ્રમાણે ભાજપ જુના સહયોગીઓની કદર કરે છે અને તેમના માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ રાજનીતિક મુદ્દાથી વધુ એક વિજયી ગઠબંધન હકીકતમાં જનતા સાથેનું ગઠબંધન છે. મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો વિચારે છે કે કોંગ્રેસની અસફળતાનું કારણ અર્થવ્યવસ્થાનું મિસ-મેનેજમેન્ટ અને કૌભાંડ છે. પરંતુ કોંગ્રેસે ભારતીય સૈન્યને પણ મોટું નુકશાન પહોંચાડયું છે. દશકાઓથી કોંગ્રેસે રક્ષા ક્ષેત્રને દલાલો અને વચેટીયાઓનો અડ્ડો બનાવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer