ચા વેચીને દંપતી ફર્યા 20 દેશ : આનંદ મહિન્દ્રાએ ગણાવ્યા સૌથી અમીર

કોચ્ચિના 70 વર્ષીય દંપતીના ચાહક બન્યા આનંદ મહિન્દ્રા, ટ્વીટર ઉપર પોસ્ટ કર્યો વીડિયો
 
નવી દિલ્હી, તા. 11 : મહારાષ્ટ્રનું એક 70 વર્ષીય દંપતી વૃદ્ધાવસ્થામાં દુનિયા ફરવાનો શોખ પૂરો કરી રહ્યું છે. આ દંપતીના કેટલાય વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં છવાયા છે. દેશભરના લોકો કોચ્ચિમાં ચાની દુકાન ચલાવતા આ દંપતી વિજયન અને મોહનાના ચાહક બની ગયા છે અને બન્નેના ફેનની લાંબી યાદીમાં હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું નામ પણ જોડાઈ ગયું છે. 
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુનિયા ફરવાનો શોખ પૂરો કરી રહેલા દંપતીનો એક વીડિયો ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો હતો. જેમાં લોકો પાસે દંપતીને ગિફ્ટ આપવાના વિચાર મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો. પોતાના ટ્વિટમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, આ દંપતી ફોર્બ્સની ધનાઢ્યોની યાદીમાં ન હોવા છતાં પણ દેશના સૌથી ધનાઢ્ય લોકોમાંથી એક છે. કારણ કે તેમની મૂડી જીવન પ્રત્યેના તેમના વિચાર છે. આનંદ મહિન્દ્રાએ એમ પણ કહ્યું હતું કે, તેઓ જ્યારે પણ કોચ્ચિ જશે ત્યારે વિજયન અને મોહનાની મુલાકાત કરશે. મોહના અને વિજય કોચ્ચિમાં શ્રી બાલાજી નામે ચાની દુકાન ચલાવે છે. આ દુકાનમાંથી થતી આવક અને બેન્ક લોનની મદદથી બન્નેએ અત્યારસુધીમાં કુલ  20 દેશનો પ્રવાસ કર્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer