`બેસ્ટ''ની હડતાળે પેસેન્જરોને મોનોરેલ, મેટ્રો તરફ વાળ્યા

`બેસ્ટ''ની હડતાળે પેસેન્જરોને મોનોરેલ, મેટ્રો તરફ વાળ્યા
મુંબઈ, તા. 12 : `બેસ્ટ'ની અનિશ્ચિત મુદતની હડતાળના કારણે જાન્યુઆરીની 8, 9, 10 તારીખે પેસેન્જરોની સંખ્યા 30,000 જેવી વધતાં મુંબઈ મોનોરેલે રૂા. 4.87 લાખની કમાણી કરી હતી.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના ડેટા મુજબ હડતાળના આ ત્રણ દિવસમાં 72,249 પ્રવાસીઓએ વડાલા અને ચેમ્બુર વચ્ચે મોનોરેલમાં મુસાફરી કરી હતી તો હડતાળ પૂર્વેના ત્રણ દિવસ (જાન્યુઆરી 5, 6, 7 તારીખે) 41,954 પ્રવાસીઓએ મોનોરેલની સેવા લીધી હતી.
જોકે, શુક્રવારે મોનોરેલ સેવામાં વિક્ષેપ પડયો હતો કારણ કે થોડા કામદારોએ હડતાળની ધમકી આપી હતી. તેઓએ તાત્કાલિક વેતન વધારો એવી માગણી કરી હતી પણ પછી ચર્ચા-મસલત પછી પરિસ્થિતિ અંકુશમાં આવી હતી.
દરમિયાન, આ હડતાળને કારણે મુંબઈ મેટ્રોમાં મુસાફરી વધી હતી અને મંગળવારથી વરસોવા - ઘાટકોપર રૂટ પર બાર સેવાઓ ઊમેરી હતી.
બેસ્ટની આ હડતાળને લઈને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને વધારાની 18 ટ્રેનો દોડાવવા પ્રેરી હતી. મંગળવાર અને ગુરુવાર વચ્ચે વધુ 58,000 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. પશ્ચિમ રેલવેની આવક રૂા. 4.56 લાખ વધી તો મધ્ય રેલવેની આવક સાધારણ ઊંચી રહી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer