મી-ટૂનો ફરી સળવળાટ : હવે રાજકુમાર હીરાની પર થયો વિનયભંગનો આક્ષેપ

મી-ટૂનો ફરી સળવળાટ : હવે રાજકુમાર હીરાની પર થયો વિનયભંગનો આક્ષેપ
`સંજુ'ની આસિ. નિર્દેશિકાએ મેઇલમાં જણાવ્યું, છ મહિના સુધી થયું જાતીય શોષણ
 
નવી દિલ્હી, તા. 13 : ઘણા લાંબા સમયની શાંતિ બાદ ફરી `મી-ટૂ'નો મુદ્દો જાગ્યો છે. `સંજુ' સહિત અનેક ફિલ્મોથી જાણીતા નિર્દેશક રાજકુમાર હીરાની પર જાતીય શોષણના આરોપો લગાવવામાં આવતાં ચકચાર મચી છે. સંજુ ફિલ્મની જ તેમની આસિસ્ટન્ટ ડાયરેક્ટર મહિલાએ આરોપ લગાવ્યો હતો કે હીરાનીએ માર્ચથી સપ્ટેમ્બર 2018ના છ મહિના દરમ્યાન અનેક વખત તેનું જાતીય શોષણ કર્યું હતું. આ ઉત્પીડન સંજુ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન દરમ્યાન થયું હોવાનું પણ આ મહિલાએ જણાવ્યું છે. રાજકુમાર હીરાનીએ પોતાના વકીલ આનંદ દેસાઈના માધ્યમથી મહિલાના તમામ આરોપોને ફગાવ્યા હતા.
હફિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ મહિલાએ સંજુના સહનિર્માતા વિધુ વિનોદ ચોપડાને પણ આ મામલામાં મેઈલ કરીને જાણકારી આપી હતી. તેમણે વિધુની પત્ની અનુપમા ચોપરા, ક્રિપ્ટ રાઈટર અભિજાત જોશી, વિધુની બહેન અને નિર્દેશક શૈલી ચોપરાને પણ મેઈલમાં માર્ક કર્યા હતા.  હીરાનીના વકીલ દેસાઈએ અખબારને જણાવ્યું હતું કે અમારા અસીલ પર લાગેલા તમામ આરોપો જૂઠા છે અને તેનો હેતુ તેમની છબી બગાડવાનો છે.
અહેવાલ મુજબ મહિલાએ મેઈલમાં જણાવ્યું હતું કે, રાજકુમારે 9 એપ્રિલ 2018ના આપત્તિજનક ટિપ્પણી કરી હતી તે પછી તેમણે પોતાના ઘર અને ઓફિસમાં બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે તેની પાસે ચુપ રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. હું મારી નોકરી ગુમાવવા માગતી ન હતી. જો હીરાની એમ કહેત કે મારું કામ સારું નથી તો બધા તેમની વાત સાંભળત. મારું ભવિષ્ય ખરાબ થઈ જાત.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer