હાર્દિક અને રાહુલના સ્થાને વિજય શંકર અને શુભમન ગિલનો સમાવેશ

હાર્દિક અને રાહુલના સ્થાને વિજય શંકર અને શુભમન ગિલનો સમાવેશ
નવી દિલ્હી તા.13 : ટીવી શોમાં મહિલાઓ પરની કથિત ટિપ્પણીઓના મામલે હાર્દિક પંડયા અને કેએલ રાહુલ સસ્પેન્ડ થયા છે. આથી ભારતીય વન ડે ટીમમાં તેના સ્થાને ઓલરાઉન્ડર વિજય શંકર અને દિલ્હીના યુવા બેટસમેન શુભમન ગિલનો સમાવેશ થયો છે. વિજય ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યુઝીલેન્ડ પ્રવાસમાં પણ ભારતીય ટીમનો હિસ્સો રહેશે. જયારે શુભમન ફકત ન્યુઝીલેન્ડના પ્રવાસમાં રહેશે.  તેમ બીસીસીઆઇની વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે. ન્યુઝીલેન્ડમાં ભારત 5 વન ડે અને 3 ટી-20 મેચની શ્રેણી રમવાનું છે.
27 વર્ષીય વિજય શંકર તામિલનાડુનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તે ભારત તરફથી 5 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. તેને શ્રીલંકામાં નિદહાસ ટ્રોફી પછી ફરી ભારતીય ટીમમાં તક મળી છે. તેણે ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ભારત એ ટીમ તરફથી શાનદાર દેખાવ કર્યોં હતો. 
જયારે યુવા બેટધર શુભમન ગિલે અન્ડર-19 વર્લ્ડ કપ બાદ વર્તમાન રણજી ટ્રોફીમાં પણ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. રણજી સિઝનમાં તે બેવડી સદી સાથે દિલ્હી તરફથી ટોચનો સ્કોરર છે. તે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. શુભમન ગિલને પહેલીવાર ટીમ ઇન્ડિયામાં તક મળી છે. આ પહેલા અન્ડર-19 ટીમનો સુકાની પૃથ્વી શો ભારતની ટેસ્ટ ટીમ તરફથી પદાર્પણ કરી ચૂકયો છે. ઇજાને લીધે તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવવી પડી હતી. 
રિપોર્ટ અનુસાર કેએલ રાહુલના સ્થાને પસંદગીકારોએ મયંક અગ્રવાલને પસંદ કર્યોં હતો, પણ તેને હળવી ઇજા છે. આથી શુભમન ગિલને તક મળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer