કોહલીસેના કાલે શ્રેણી જીવંત રાખવા મેદાને પડશે

કોહલીસેના કાલે શ્રેણી જીવંત રાખવા મેદાને પડશે
એડિલેડમાં મંગળવારે બીજી વન ડે મૅચ : સવારે 8-50થી શરૂ થશે
 
અૉસ્ટ્રેલિયાની નજર બીજી વન ડે જીતી શ્રેણી કબજે કરવા પર
 
એડિલેડ, તા.13 : ત્રણ મેચની શ્રેણીના પહેલા વન ડેમાં સિડનીમાં 34 રન હાર સહન કરનાર કોહલીસેના હવે તા. 1પમીએ મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેનો બીજો વન ડે જીતીને શ્રેણી જીવંત રાખવાના ઇરાદે મેદાને પડશે. સિડનીમાં રમાયેલ પહેલા વન ડે મેચમાં ભારતનું બોલિંગ અને બેટિંગ પ્રભાવશાળી રહ્યું ન હતું. એકમાત્ર રોહિત શર્માએ શાનદાર સદી કરીને છાપ છોડી હતી. જ્યારે પૂર્વ સુકાની ધોનીએ અર્ધસદી કરી હતી, પણ તેની ધીમી બેટિંગ ફરી ટીકાને પાત્ર બની છે.
ટેસ્ટ શ્રેણીની ઐતિહાસિક જીત બાદ વન ડે શ્રેણીનો પ્રારંભ ભારતીય ટીમ જીત સાથે કરી શકી નથી. ખાસ કરીને 289 રનના વિજય લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયાએ માત્ર 4 રનની અંદર શિખર ધવન, સુકાની વિરાટ કોહલી અને અંબાતિ રાયડૂની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત અને ધોનીએ બાજી સંભાળી હતી, પણ ધોનીના આઉટ થયા બાદ ફરી ભારતીય બેટધરો સસ્તામાં આઉટ થયા હતા. માત્ર રોહિત શર્માએ 133 રનની ઇનિંગ રમી સંઘર્ષ કર્યોં હતો. કાંગારૂ ઝડપી બોલર રિચર્ડસન ભારતીય બેટધરો પર ભારે પડયો હતો.
બીજા વન ડેની ભારતીય ટીમમાં લભભગ કેદાર જાધવનો સમાવેશ થઇ શકે છે. તેને રાયડૂ અથવા તો જાડેજાને સ્થાને તક મળી શકે છે. ચહલ પણ હરીફાઇમાં છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજો વન ડે પણ જીતીને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાનો લક્ષ્યાંક રાખશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 8-50થી શરૂ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer