ચાઈલ્ડ રાઈટ્સ ક્લેક્ટિવની ગુજરાતમાં કાર્યશાળા યોજાઈ

`રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરામાં બાળકોની સમસ્યાઓ પર ધ્યાન આપો'
 
અમદાવાદ, તા .13 : લોકસભાની ચૂંટણીને આડે માંડ ત્રણ માસ જેટલો સમય બાકી છે ત્યારે બાળઅધિકારો માટેના કાર્યકરોએ રાજકીય પક્ષો પોતાના ચૂંટણીઢંઢેરામાં બાળકોના અધિકારો અને સુવિધાઓનો સમાવેશ કરે એવી માગણી કરી છે. ગુજરાતમાં બાળકોના કલ્યાણ માટે કાર્યરત 175 સંગઠનોની બનેલી ટોચની સંસ્થા-ચાઈલ્ડ રાઈટ્સ ક્લેક્ટિવ, ગુજરાત દ્વારા ત્રણ દિવસની કાર્યશાળા યોજાઈ હતી. તેના અંતે બાળકોની વિવિધ સમસ્યા હલ કરવાની તેમ જ વિવિધ હક્કો અને સગવડો આપવાની માગણી કરવામાં આવી છે. તેમાં રાઈટ ટુ એજ્યુકેશન ઍક્ટ હેઠળ શાળામાં ભણવાની ઉંમર વધારીને 18 વર્ષ સુધી કરવાની, તેમના વાલીઓને રોજગારી, મધ્યાહન ભોજન માટે પોષ્ટિક આહાર, શૌચાલયમાં પાણી અને બાળલગ્નને રોકવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સી.આર.સી.સી.ના ગુજરાત એકમના વડા રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં 39 ટકા બાળકો છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા બાળકોની અવગણના કરવામાં આવી છે. બાળકોની મુશ્કેલીઓ દેશ સમક્ષ રજૂ કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકાર કાયદા હેઠળ ભણવા માટેની ઉંમર વધારીને 18 વર્ષ કરવાની માગણી અગત્યની છે. આ ધારાની જોગવાઈઓને કારણે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી શાળા છોડી દે છે. આ ધારામાં  સુધારો કરવામાં આવે તો ઉચ્ચમાધ્યમિક શિક્ષણ મેળવનારાઓની સંખ્યા વધી શકે એમ ભટ્ટે ઉમેર્યું હતું.
મધ્યાહન ભોજનમાં પીરસાતી વાનગીઓ અંગે કેટલીક સર્વસામાન્ય ફરિયાદ છે તેના માટે વિવિધ વાનગીઓ ઉપલબ્ધ છે. આમછતાં તેઓને ખીચડી અને દાળભાત જ આપવામાં આવે છે. સીઆરસીસી દ્વારા યોજવામાં આવેલી કાર્યશાળામાં ગુજરાતના દસ જિલ્લામાંના 13 સ્વૈચ્છિક સંગઠનો સાથે સંકળાયેલા 59 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
હજી પણ કેટલીક જાતિઓમાં બાળલગ્ન અસ્તિત્વ ધરાવે છે. ભાવનગરથી આવેલી કિશોરીએ જણાવ્યું હતું કે અમે `ચાઈલ્ડ હૅલ્પ લાઈન'ની મદદથી સગીર બાળાના લગ્નને અટકાવ્યા હતા.
સીઆરસીસીના કાર્યકરોએ જણાવ્યું હતું કે હૅલ્પલાઈન વિશે બધાં બાળકો પાસે જાણકારી છે. જામનગરથી આવેલા બાળકે ફરિયાદ કરી હતી કે તેઓને નિયમિત પાણી પુરવઠો મળતો નથી. તેથી અમે પાણીનો ઉપયોગ કરી શકતા નથી.
ભાજપના ગુજરાત એકમના પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે કેટલાક મુદ્દા ઉપર ગુજરાત સરકાર ધ્યાન આપી રહી છે. પક્ષનો ચૂંટણીઢંઢેરો બનાવવામાં આવે ત્યારે નવા મુદ્દા વિચારણા માટે તેને આપવામાં આવશે.
સોશિયાલિસ્ટ યુનિટી કાઉન્સિલ અૉફ ઈન્ડિયાના પ્રતિનિધિ મીનાક્ષી જોશીએ જણાવ્યું હતું કે બાળકો વિશે ઉઠાવવામાં આવેલા મુદ્દા યોગ્ય છે. રાજકીય પક્ષોએ દેશની ભાવિ પેઢીના કલ્યાણ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer