મકરસંક્રાંતિ : સુરતમાં બે દિવસ સુધી ફલાયઓવરો પર ટુ-વ્હીલરને પ્રવેશ નહીં

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત. તા. 13 : ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા. 14 અને 15ના રોજ સુરત શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજના બંને ટ્રેક પર ટૂ-વ્હીલર વાહનચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  મદદનીશ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું જારી કરાયું છે.  
ઉત્તરાયણ પર્વ સુરતમાં ઉત્સાહભેર મનાવાય છે. હજારોની સંખ્યામાં પતંગો આકાશમાં ચગાવાય છે. કપાયેલા પંતગો અને દોરીઓ પણ ઠેર ઠેર પડતી જોવા મળે છે. પતંગની દોરીને લીધે વાહનચાલકો અને રાહદારીઓને ઇજાના બનાવો પણ બને છે.  ખાસ કરીને ફ્લાયઓવર બ્રિજ ઉપર દ્વિચક્રીય વાહનચાલકો માટે પતંગની દોરી જોખમી બની જાય છે. ગંભીર ઇજાના કિસ્સામાં મૃત્યુ પણ થઇ શકે છે.  આવા ગંભીર અકસ્માતો અટકાવવા માટે તકેદારીના પગલા રૂપે શહેરના  તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર ટૂ-વ્હીલર વાહનચાલકો માટે તા. 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. આવા વાહનચાલકોને બ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ફ્લાયઓવર બ્રિજ પર યેનકેન રીતે દ્વિચક્રીય વાહનચાલકો જશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer