`ચૂંટણીના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા બંધ''

ચૂંટણી પંચે રચેલી સમિતિએ અહેવાલમાં કરી પ્રચારબંધી અંગેની ભલામણ
 
નવી દિલ્હી, તા. 13 : લોકપ્રતિનિધિત્વ અધિનિયમની સમીક્ષા માટે ચૂંટણીપંચે રચેલી એક ખાસ સમિતિએ ચૂંટણીના 48 કલાક પહેલાં સોશિયલ મીડિયા પર રોક મૂકવાની ભલામણ કરી છે.
આ સમિતિએ એવું સૂચન કર્યું હતું કે, ચૂંટણીથી પહેલાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને સોશિયલ મીડિયા કંપનીઓએ પણ સજાગ રહેવાની જરૂર છે.
મતદાનથી 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર અભિયાન બંધ કરી દેવાના નિયમનું પાલન કરતાં સંબંધિત સામગ્રી હટાવી દેવી જોઇએ.
આ કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા અપાયેલા નિર્દેશોના ત્રણ કલાકની અંદર જ કરી દેવી જોઇએ, તેવી ભલામણ ખાસ સમિતિ તરફથી કરાઇ છે.
આ સમિતિના અધ્યક્ષ તરીકે વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ઉમેશસિંહાએ ચૂંટણીપંચને એક અહેવાલ સોંપ્યો હતો.
અહેવાલમાં સિંહાએ લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 126 (1)માં સુધારા કરવાની સલાહ સાથે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ચૂંટણીના 48 કલાક પહેલાં રોક મૂકવાની ભલામણ કરી છે.
આ પ્રસ્તાવિત સુધારા માટે સમિતિનું કહેવું છે કે, નવા દોરના મીડિયાના માધ્યમથી થતા આક્રમક પ્રચાર દ્વારા મતદાતા કોઇ અનિચ્છનીય પ્રભાવથી સુરક્ષિત રહે, તેવું સુનિશ્ચિત કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer