`નાઈટલાઈફ હબ્સ''ને પણ 24 કલાક ચાલુ રાખવાની ફરી માગણી કરાઈ

મુંબઈ, તા. 13 : મુંબઈમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરના વહેલી સવાર સુધી થતી ઉજવણીઓ છેલ્લાં ત્રણ વર્ષથી કોઈ પણ વિઘ્ન વિના કરવામાં આવી રહી છે. તેનાથી હવે શહેરમાં નાઈટલાઈફ હબ માટેની ઝુંબેશે ફરી પાછો વેગ પકડયો છે. હોટલવાળાઓએ ફરીથી શહેરમાં રાત્રિ માટેના મનોરંજન વિસ્તારો ઊભા કરવાની હિમાયત કરી છે ત્યારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ શહેરના બિનરહેણાક વિસ્તારોમાં બાર, પબ્સ, રેસ્ટોરન્ટ્સ વગેરે ચોવીસ કલાક ચાલુ રાખવા વચ્ચે આવતા અવરોધો દૂર કરવા મુખ્ય પ્રધાન ફડણવીસને અનુરોધ કર્યો છે.
તાજેતરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, `આવો પ્રસ્તાવ બીએમસીએ 2013માં પસાર કર્યો હતો અને તેને 2015માં તત્કાલીન પોલીસ કમિશનરે મંજૂર કર્યો હતો અને 2017માં વિધાનમંડળે શહેરના બિનરહેણાક વિસ્તારોમાં 24 કલાક દુકાનો ચાલુ રાખવાનો ઠરાવ પસાર કર્યો હતો એ વાત હું તમને યાદ અપાવવા માગું છું.' આ પ્રસ્તાવને તમારી મંજૂરી મળે તે માટે ગૃહ મંત્રાલય રાહ જોઈ રહ્યું છે અને આ પ્રસ્તાવ ફુલપ્રૂફ છે એમ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.
રાજ્ય સરકારે ડિસેમ્બર 2018માં નવા વર્ષની પૂર્વસંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરના દારૂના બાર સવારના પાંચ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી અને કાયદો વ્યવસ્થાની કોઈ પણ સમસ્યા વિના આ પગલાંને  સફળતા મળી હતી.
આ માટે 2014માં બીએમસીએ મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારે 2015માં આ વિચારને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. તે પછીના વર્ષમાં બૉમ્બે હાઈ કોર્ટે મહિલાઓની સુરક્ષાની બાબતમાં સરકાર તપાસ ન કરે ત્યાં સુધી આ પ્રસ્તાવનો અમલ કરવા સરકાર પર રોક લગાવી હતી અને ત્યારે રાજ્ય સરકારે કોર્ટને એવી ખાતરી આપી હતી કે તેણે આ બાબતમાં કોઈ નિર્ણય હજી લીધો નથી. જોકે, 2017માં રાજ્ય સરકારે દુકાનોને 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપી હતી પરંતુ પોતાના આ નિર્ણયમાંથી બાર, પબ્સ અને રેસ્ટોરન્ટ્સને બાકાત રાખ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer