બેસ્ટનું આંશિક રીતે ખાનગીકરણ થશે તો જ એની સમસ્યાનો નિવેડો આવશે

મુંબઈ, તા. 13 : બેસ્ટની હડતાળનો અંત નજરે પડતો નથી ત્યારે બીએમસીના કમિશનર અજોય મહેતાએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે, બેસ્ટને તેનું અંશત ખાનગીકરણ જ બચાવી શકે તેમ છે.
કામદાર સંઘોના પ્રતિનિધિઓ અને હાઈ કોર્ટ દ્વારા નિયુક્ત સરકારની સમિતિના સભ્યો સાથે મુખ્ય સચિવ ડી. કે. જૈનના કાર્યાલયમાં બેઠક કર્યા બાદ તેમણે ખાનગી બસ સંચાલકોની પાસેથી બસો ભાડાં પર લેવાનો (વેટ-લીઝિંગ)નો પ્રસ્તાવ સભ્યો સમક્ષ મૂક્યો હતો. આ યોજનાને આગળ વધારવા તેમણે આ સંબંધમાં એક પત્ર જૈનને સોંપ્યો હતો.
ગયા વર્ષે પણ મહેતાએ આવું જ વલણ અપનાવ્યું હતું. મુંબઈની આ બસ સેવાને ઉગારવા કરાયેલી ચર્ચા દરમિયાન તેમણે એવું સૂચન કર્યું હતું કે, ખાનગી બસ સંચાલકોને તેમના ડ્રાઈવરો લઈ આવવાની અને બેસ્ટના અંકુશ હેઠળ આ બસો ચલાવવાની છૂટ આપવી જોઈએ. જોકે, ત્યારે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સુધરાઈ બેસ્ટની ચાવીઓ ખાનગી ક્ષેત્રને સોંપવા ઉત્સુક નથી પરંતુ તેને નાણાકીય રીતે સદ્ધર અસરકારક અને સગવડભરી બનાવવા માગે છે.
બીએમસીએ એક વર્ષ પહેલાં 450 બસોને વેટ-લીઝ પર લેવા ટેન્ડર બહાર પાડયું હતું પરંતુ આ યોજનાને ઈન્ડસ્ટ્રીયલ કોર્ટે સ્થગિત કરી દીધી હતી. આ હુકમને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બસોનું વેટ-લીઝિંગ નાણાકીય રીતે એક સદ્ધર યોજના કહેવાય કારણકે બસ ચલાવવાનો ખર્ચ કિલોમીટર દીઠ રૂપિયા 50થી 60નો થાય છે. હાલ આ ખર્ચ કિલોમીટર દીઠ રૂપિયા 100નો છે. પ્રત્યેક બસની ટિકિટોનાં વેચાણની આવક હાલ કિલોમીટર દીઠ રૂપિયા 40 છે.
ઍપ આધારિત ટૅક્સીઓ સાથે સ્પર્ધા કરવાની વાત આવે છે ત્યારે પણ વેટ-લીઝની યોજના વધુ ડહાપણભરી ગણાય. કામદાર સંઘોને એવો ભય છે કે, બસોના વેટ-લીઝિંગથી સ્ટાફની છટણી થશે કારણકે ડ્રાઈવરો અને જાળવણી માટેના કામદારો ખાનગી સંચાલકો પાસેથી આવશે.
બેસ્ટના જનરલ મૅનેજર સુરેન્દ્ર બગાડેએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિ નહીં સર્જાય.
બેસ્ટ કામદારોના નેતા શશાંક રાવને ગળે આ વાત ઊતરી નહોતી અને તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઈવરો અને કન્ડકટરો દિવસના 14 કલાક કામ કરે છે, પરંતુ તેમને તેમનો પગાર મહિનાના 15 દિવસ પહેલાં મળતો નથી. વેટ-લીઝિંગ બાદ તેમની જરૂર રહેશે નહીં. સત્તાવાળાઓ તેમની છટણી કરતાં એક વાર પણ વિચાર કરશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer