પાટીદાર આંદોલનને શાંત પાડવાનો પ્રયાસ ચોક્કસ સફળ થવાનો ભાજપ નેતાગીરીને વિશ્વાસ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,તા.13: આર્થિક અનામતના નિર્ણય પાછળ પણ ભાજપનું  ગણિત છે. રવિવારની રજા હોવા છતાં સરકારે કરેલા આદેશ પાછળ અનેક સૂચિતાર્થ સમાયેલા છે. ભાજપ સમગ્ર દેશમાં કહી શકે છે કે આખા દેશમાંથી પહેલા અમલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતથી થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારને આગળ કરીને દેશમાં નવો સંદેશો આપવા માંગે છે. કેન્દ્રના આદેશને એક એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે ચૂકાદા પહેલા અમલ કરીને એક ચોક્કસ વ્યૂહરચના બનાવી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને શાંત કરવાનો ભાજપે ફેંકેલો પાસો ચોક્કસ સફળ થશે તેમ કેન્દ્રિય ભાજપના નેતાઓ માની રહ્યા છે.  
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનામતના બિલને મંજૂરી આપી છે ત્યારે હવે કોઇ અવરોધ ન આવે તો તેને રાજ્યોની વિધાનસભામાં મંજૂરી આપવામાં આવશે.
ગુજરાત પછી ભાજપ શાસિત અને એનડીએના રાજ્યો પણં 10 ટકા અનામતનો અમલ કરશે. જો કે કોંગ્રેસ કે બિનભાજપી રાજ્યો અનામતનો અમલ નહીં કરે અથવા તો વિલંબ કરશે તો ભાજપ તેનો લાભ ઉઠાવીને એમ કહી શકશે કે ભાજપે તો અનામતનો અમલ કરી દીધો છે પરંતુ બીજી પાર્ટીઓની સરકાર તેનો અમલ કરતી નથી ભાજપ એક નહીં અનેક મોરચે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોને માત આપવા માંગે છે.  ભાજપ રામમંદિરના મુદ્દે નહીં પણ સવર્ણોને અનામત મુદ્દે  લોકસભાની વૈતરણી  પાર કરવા માંગે છે. ભાજપે પાર્ટીની બેઠકમાં જ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ જ રામમંદિરમાં અવરોધક બને છે. આમ કહીને ભાજપ સરકારે રામમંદિરના મુદ્દાને બાજુમાં રાખીને હવે અનામતના મુદ્દાને હથિયાર બનાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer