પાકિસ્તાની હની ટ્રેપમાં ફસાયો રાજસ્થાનનો જવાન

આઈએસઆઈને ગુપ્ત માહિતી મોકલી
 
જોઈન્ટ ઇન્ટેલિજન્સ કમિટી દ્વારા પૂછપરછ
નવી દિલ્હી, તા. 13: પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તરફથી સોશિયલ મીડિયામાં બિછાવેલા હની ટ્રેપના જાળમાં ફસાઈને ગોપનીય સૂચના લીક કરવાના આરોપમાં એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. સેનાને કાર્યવાહીની પુષ્ટિ કરી છે. આ જવાનની ઓળખ સોમવીર તરીકે થઈ છે. જે જેસલમેરની છાવણીમાં તૈનાત હતો અને ફેસબુક ઉપર અનિકા ચોપડા નામની પ્રોફાઈલ સાથે વાતચીત કરતો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, ફેસબુક પ્રોફાઈલ આઈએસઆઈ દ્વારા ચલાવવામાં આવતું હતું. જો કે સોમવીર જુનિયર હોવાની સંવેદનશિલ માહિતી લીક થયાનું જોખમ ઓછું છે. તેમ છતાં આ મામલે જોઈન્ટ ઇન્ટેલિજન્સ કમિટી પૂછપરછ કરી રહી છે. 
પાકિસ્તાની મહિલા એજન્ટની જાળમાં ફસાઈને આ કર્મીએ વોટ્સએપ મારફતે સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી મોકલી હતી જેની માહિતી મળ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લશ્કરી જવાનની જયપુર લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના એડિશનલ પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ કહ્યું છે કે, આ કેસમાં લશ્કરી જવાન સોમવીરને શુક્રવારે મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને જયપુર લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સેનાને આ બાબતના ઇન્પુટ મળ્યા હતા કે, તે સોશિયલ મીડિયા ઉપર ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer