હડતાળ આજે સાતમા દિવસમાં પ્રવેશી

`બેસ્ટ'ના એકેય હડતાળિયા કર્મચારીની નોકરી નહીં જાય
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : `બેસ્ટ'ની હડતાળને કારણે એક પણ કર્મચારીની નોકરી નહીં જાય એમ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
`બેસ્ટ'ની હડતાળને આજે રવિવારે છ દિવસ પૂરા થયા છે. `બેસ્ટ' સમિતિમાં શિવસેનાનું વર્ચસ છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે સ્થાનિક લોકાધિકાર સમિતિના અધિવેશન સમયે પત્રકારો સાથેની અવિધિસરની વાતચીતમાં જણાવ્યું હતું કે `બેસ્ટ' ઉપક્રમના બજેટને પાલિકામાં વિલીન કરવાની માગણી કર્મચારીઓની છે. `બેસ્ટ' ઉપક્રમ હાલ ખોટમાં ચાલે છે. તે સેવા હોવાથી તેને ફાયદામાં લાવવાનો આગ્રહ નથી. `નહીં નફો નહીં તોટો' એ ધોરણે તેને ચલાવવાનો પ્રયાસ છે. તે માટે કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં છે. કર્મચારીઓએ વધુ પડતી કે અવાસ્તવિક માગણી કરવી નહીં એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
`બેસ્ટ'ના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે 2610માંથી માત્ર ચાર ડ્રાઇવરો ફરજ ઉપર હાજર થયા હતા. જ્યારે 2764માંથી એક પણ કંડક્ટર આજે હાજર થયો નહોતો. `બેસ્ટ'ના કર્મચારીઓની સંખ્યા 32,000 જેટલી છે.
`બેસ્ટ'ના વીજ વિભાગમાં 7896 કર્મચારી છે. શનિવારે તેમાંથી 1929 કર્મચારી હાજર હતા. તેમાંથી 1183 કર્મચારીઓને સાપ્તાહિક રજા હતી. વીજ વિભાગના કર્મચારીઓએ વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓની હડતાળને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. તેથી કોલાબાથી માહિમ અને સાયન સુધીના વિસ્તારમાં વીજપુરવઠો ખંડિત થાય તો તેના સમારકામ કે પૂર્વવત્ કરવામાં નાગરિકોને મુશ્કેલી સર્જાઈ શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer