પીએફના વ્યાજદરમાં વધારો

પીએફના વ્યાજદરમાં વધારો
પહેલા ત્રિમાસિક ગાળામાં 8 ટકા વ્યાજ મળશે
 
નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રની મોદી સરકારે આમઆદમીને વધુ એક ભેટ આપી છે. સરકારે પીએફ સહિતની 10 ભવિષ્યનિધિ પર ત્રણ મહિનાના વ્યાજની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં જમા ધન પર ત્રણ મહિના સુધી 8 ટકા વ્યાજ મળશે. ઈપીએફઓ દ્વારા જારી પરિપત્ર અનુસાર, નવા દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે અને તેનો ફાયદો છ કરોડ ખાતાધારકને થશે.
કેન્દ્ર સરકાર આ પહેલાં 7.8 ટકા વ્યાજ આપતી હતી. હવે નવી જાહેરાત અનુસાર, પહેલી જાન્યુઆરીથી 31 માર્ચ-2019 સુધી પીએફ સહિતની 10 ભવિષ્યનિધિ પર 8 ટકા વ્યાજ મળશે. ઈપીએફઓએ બધા વિભાગોને નોટિસ જારી કરીને સ્પષ્ટ કર્યું હતું કે આ વ્યાજ વીતેલા ત્રિમાસિક ગાળા જેટલું જ રાખવામાં આવ્યું છે, પરંતુ જમા ધન પર તેનાથી પહેલાં 0.2 ટકા વ્યાજ ઓછું મળશે.
આ સાથે જ ઈપીએફઓ એક મોટો નિર્ણય પણ ટૂંક સમયમાં લઈ શકે છે. નિર્ણય હેઠળ અંશધારકોને પોતાના કોષથી શેરબજારમાં કરવામાં આવતા રોકાણને વધારવાનો અથવા ઘટાડવાનો વિકલ્પ મળશે.
ઈપીએફઓ આ ઉપરાંત અન્ય સામાજિક સુરક્ષા લાભ અને ભંડોળના વ્યવસ્થાપન માટે ડિજિટલ સાધન જેવી વ્યવસ્થા પણ આપી શકે છે. વર્તમાનમાં ઈપીએફઓ ખાતાધારકોની જમા રકમના 15 ટકા સુધી એક્સ્ચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં રોકાણ કરે છે. હજુ સુધી આ રીતે 55,000 કરોડનું રોકાણ થયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer