મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન યોજનાનું કાર્ય ચોમાસા પછી જ શરૂ થઈ શકશે

મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન યોજનાનું કાર્ય ચોમાસા પછી જ શરૂ થઈ શકશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં જમીન પ્રાપ્તિ ઘોંચમાં પડતાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની યોજનાનું કામ હવે  રાજ્યમાં ચોમાસા પછી જ શરૂ થઈ શકશે.
હાઈસ્પીડ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટનું અમલીકરણ કરી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન (એનએચએસઆરસી)ને નાણાંની કોથળી ખુલ્લી મૂકવા છતાં મહારાષ્ટ્રમાં જમીન પ્રાપ્તિની સમસ્યા સતાવી રહી છે.
એનએચએસઆરસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તૈયારીરૂપ કાર્ય કે ટેન્ડરો મગાવવા અને તેને આખરી સ્વરૂપ આપવાનું કાર્ય શરૂ કરી શકીએ તેમ છીએ, પરંતુ આ માટેનું ખરું કાર્ય મુંબઈ-થાણે અને પાલઘરમાં ચોમાસા પછી જ શરૂ થઈ શકશે.
આ અધિકારીએ જણાવ્યું હતું કે બાન્દરા-કુર્લા કૉમ્પલેક્ષમાં ટર્મિનલની બિલ્ડિંગની ડિઝાઈન અને ડ્રોઈંગનું કાર્ય મંજૂરીના આખરી તબક્કામાં છે અને એક વખત પરવાનગી મળી જશે એટલે ટેન્ડર બહાર પાડીને તે ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. આમાં પણ જમીન સ્તરે જોઈએ તો ચોમાસા બાદ જ કાર્ય શરૂ થશે.
પાલઘરમાં એનએચએસઆરસી અને મહેસૂલ ખાતાના અધિકારીઓએ અનેક પ્રયાસો કર્યા છતાં સ્થાનિક લોકો ઝૂકવા તૈયાર નથી. કેટલાંક સ્થળે તો સ્થાનિક લોકો સર્વેયરોને પ્રવેશવા પણ દેતા નથી અને પરિસ્થિતિ પર અંકુશ મેળવવા પોલીસની મદદ માગવામાં આવી રહી છે એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 108 ગામડાંઓની કુલ 353 હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે મેળવવાની છે. રાજ્યમાં 155 કિલોમીટર વિસ્તારમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે અને બીકેસી, થાણે અને  બોઈસર સ્ટેશનો રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer