અમને કોઈ પછાડી શકે એવા નરમ અમે નથી : ઉદ્ધવ ઠાકરે

અમને કોઈ પછાડી શકે એવા નરમ અમે નથી : ઉદ્ધવ ઠાકરે
અમિત શાહે કરેલી ટિપ્પણીનો શિવસેનાના પક્ષપ્રમુખે આપ્યો સણસણતો જવાબ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : શિવસેનાને પછાડનારો હજી જન્મવાનો બાકી છે. અમને કોઈ નબળા સમજે નહીં એમ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
મુંબઈમાં સ્થાનિક લોકાધિકાર સમિતિ મહાસંઘના વરલીસ્થિત એનએસસીઆઈ ખાતે યોજાયેલી સભામાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોઈ કોની સાથે યુતિ કરે તો કોના મતોની ટકાવારી વધે તેની અમને ચિંતા નથી. માત્ર દેશની આર્થિક ટકાવારી વધે એની મને ચિંતા છે. તેથી વર્ષ 2019 પછી ફક્ત શિવસેના જ હશે. સરકાર મજબૂત નહીં હોય તો ચાલશે, પરંતુ મારો દેશ મજબૂત હોવો જોઈએ. શત્રુની છાતી ઉપર નહીં, પણ દેશની છાતી ઉપર બેસનારો વડા પ્રધાન હોય એવી મજબૂત સરકારને શું કરવી? આજે દેશમાં કંઈ ચાલે છે તેના પ્રત્યે દુર્લક્ષ કરીને ચૂંટણીની તૈયારીનું પાપ મારાથી નહીં થાય. અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણનો મુદ્દો પણ ચૂંટણીનું પોકળ વચન હતું? હવે કૉંગ્રેસ પક્ષ શ્રીરામ મંદિર બનાવવામાં આડે આવે છે એવી ટીકા થાય છે. કાશ્મીરના મુફતી રામમંદિર માટે ઈચ્છુક હતા? નીતિશકુમારે રામમંદિરનો વિરોધ કર્યો હતો? રામમંદિર કોર્ટનો વિષય હતો તો પછી બાબરી મસ્જિદ કોર્ટનો વિષય નહોતો? એમ ઉદ્ધવે પૂછ્યું હતું.
દેશના પ્રશ્નો પ્રત્યે દુર્લક્ષ કરીને ચૂંટણીપ્રચાર અમે નહીં કરીએ. જનતાનો વિશ્વાસ જીત્યો તો યુદ્ધ જીતીશું. વિશ્વાસ ન હોય એવો સામાન્ય વિજય શું કામનો? એમ કહીને ઉદ્ધવે ચૂંટણીપ્રચાર કરનારા પક્ષોની ટીકા કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer