એચવન-બી વિઝા સુધારશે અમેરિકા

એચવન-બી વિઝા સુધારશે અમેરિકા
ભારતીય વ્યવસાયીઓ માટે સારા સમાચાર; ટ્રમ્પની ઘોષણા : નાગરિકત્વનો માર્ગ ખૂલી શકે
 
વૉશિંગ્ટન, તા. 13 : ભારત જેવા દેશો માટે સારા સમાચારમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચવનબી વિઝાધારક સમુદાયને સાનુકૂળ અને મોટા બદલાવ કરવાનું આશ્વાસન આપ્યું છે.
વિઝાધારકોને અમેરિકામાં રોકાવાનો ભરોસો મળવાની સાથોસાથ તેમના માટે નાગરિકત્વ મેળવવા માટેનો સંભવિત માર્ગ ખૂલે તેવા પ્રકારના મોટા બદલાવ એચવનબી વિઝામાં કરાશે.
ખાસ ઉલ્લેખનીય છે કે, મોટાભાગના આવા એચવનબી વિઝાધારકો આઇટી વ્યવસાયી છે. અમારું પ્રશાસન એચવનબી વિઝામાં અમેરિકી નીતિઓ બદલવાની યોજના ઘડે છે તેવું ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું.
અમારા આ બદલાવ પ્રતિભાશાળી, તેજ, ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને અમેરિકામાં કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહન આપશે તેવું તેમણે ઉમેર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વિટ ભારતીય અને ખાસ કરીને આઇટી ક્ષેત્રના વ્યવસાયી સમુદાય માટે ખુશખબર તરીકે જોવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવા વ્યવસાયીઓને કાયદેસર સ્થાયી નિવાસ તેમજ ગ્રીનકાર્ડ મેળવવા માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer