ઉત્તર પ્રદેશમાં લોકસભાની તમામ 80 બેઠક કૉંગ્રેસ એકલા હાથે લડશે

ઉત્તર પ્રદેશમાં લોકસભાની તમામ 80 બેઠક કૉંગ્રેસ એકલા હાથે લડશે
સપા-બસપા ગઠબંધનમાં જગ્યા ન મળતા કર્યું એલાન : ચોંકાવનારાં પરિણામો આવશે એવો દાવો : રાહુલ સંબોધશે 13 રૅલી
 
નવી દિલ્હી, તા. 13 : ઉત્તરપ્રદેશમાં લોકસભા બેઠકો માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં સ્થાન ન મળ્યા બાદ હવે કોંગ્રેસે રવિવારે પોતાના દમ ઉપર લોકસભા ચૂંટણી લડવાનું એલાન કરી દીધું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે, પક્ષ  ઉત્તરપ્રદેશની તમામ 80 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે અને ચૂંટણીમાં આશ્ચર્યજનક પ્રદર્શન પણ કરશે. તેમજ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં 13 જેટલી રેલી પણ કરવાના છે.  આ દરમિયાન એવી વાત પણ ફેલાઈ રહી છે કે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશના કાકા શિવપાલ યાદવના સંપર્કમાં છે. જો કે ત્યાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ ચાલી  રહી છે.  
કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ગઠબંધનનો હિસ્સો બનશે તેમ અગાઉ માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે સપા અને બસપા દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ અટકળોનો અંત આવ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ હવે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. આજે રવિવારના દિવસે કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી ગુલામ નબીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે. બીજી બાજુ મહાગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય લોકદળની સાથે સમજૂતિ નહીં થતાં હવે આરએલડીએ પણ કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી છે. જો કે, કોંગ્રેસે તમામ સીટો ઉપર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરતા આરએલડીની મુશ્કેલી પણ વધી ગઈ છે. 
આરએલડી હવે લોકસભાની ચૂંટણીમાં કોની સાથે લડશે તેને લઇને ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવશે. એકબાજુ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો અને બસપા અને સપાએ આરએલડીને માત્ર બે બેઠકો આપવાનો નિર્ણય કરતા અજીતાસિંહની મુશ્કેલીમાં ચિંતાજનકરીતે વધારો થયો છે. 
લોકસભા ચૂંટણીમાં નવા નવા સમીકરણો રચાઈ ગયા છે. આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી વધુ રોમાંચક બની ગઈ છે. છેલ્લી ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં યુપીની 80 સીટો પૈકી 73 સીટો એનડીએ ગઠબંધને જીતી હતી. સપાને પાંચ અને કોંગ્રેસને બે સીટો મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer