અૉનલાઇન ચાઇનીઝ માંજો-તુક્કલ વેચતી 12 ઈ-કૉમર્સ કંપનીને પોલીસે આપી નોટિસ

અૉનલાઇન ચાઇનીઝ માંજો-તુક્કલ વેચતી 12 ઈ-કૉમર્સ કંપનીને પોલીસે આપી નોટિસ
ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં વેચાણ થતું હોવાનું જાણ્યા બાદ ભર્યું પગલું 
 
ભાર્ગવ પરીખ  તરફથી
અમદાવાદ, તા. 13 : સરકાર કોઈ નિયમ કરે એટલે લોકો એનાં છીંડાં શોધી કાઢે છે. સરકારે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લાદતાં હવે લોકોએ ઇન્ટરનેટ પરથી અૉનલાઇન સસ્તામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ ઈ-કૉમર્સ સાઇટ પરથી ખરીદવાનું શરૂ કરી દેતાં હવે પોલીસે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતી 12 ઈ-કૉમર્સ વેબસાઇટને નોટિસ આપી છે અને અૉનલાઇન ચાઇનીઝ દોરી અને તુક્કલ ખરીદતા લોકો સામે પણ પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ વધી ગયું  હતું અને સસ્તામાં મળતાં દોરી અને તુક્કલનું વેચાણ વધી ગયું હતું, પણ એની સામે પક્ષીઓ અને લોકોને ઈજાના બનાવો વધી ગયા હતા. 2016માં ગુજરાત સરકારે ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો છતાં ગુજરાતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ચાલુ હતું. 2017 અને 2018માં સરકારે આવા પતંગના વેપારીઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું હતું જેને કારણે ગુજરાતમાં આ વર્ષે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ લગભગ બંધ થઈ ગયું છે, પણ સસ્તામાં દોરી ખરીદવા માગતા લોકોએ ઇન્ટરનેટથી ચાઇનીઝ દોરી અને પતંગ ખરીદવાનું  શરૂ કરી દીધું. ગુજરાતમાં આવાં ચાઇનીઝ તુક્કલ અને દોરી ગુજરાતમાં આવવાનું શરૂ થતાં પોલીસે તપાસ શરૂ કરી ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક વેપારી આવી ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતાં પકડાયો હતો, પરંતુ ગુજરાતમાં અૉનલાઇન ચાઇનીઝ દોરી અને તુક્કલ મોટા પાયે આવતી હોવાની જાણકારી મળતાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તરત તપાસ શરૂ કરતાં 12 ઈ-કૉમર્સ સાઇટ પર મોટા પાયે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાતાં જોવા મળતાં આ 12 ઈ-કૉમર્સ કંપનીને નોટિસ આપી છે.
ગુજરાત સાઇબર ક્રાઇમના એએસપી ડૉક્ટર રાજદીપાસિંહ ઝાલાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે `ગુજરાતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ છે, પરંતુ 12 ઈ-કૉમર્સ કંપની દ્વારા અૉનલાઇન ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ વધી ગયું હતું અને અૉનલાઇન ખરીદી થતી હોવાથી અમે આવી 12 કંપનીઓને નોટિસ આપી છે. એ ઉપરાંત ખરીદનારની જાણકારી આપવાનું પણ કહ્યું છે. અૉનલાઇન ખરીદી કરનાર સામે પણ પગલાં ભરવામાં આવશે.'  
અત્રે  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉત્તરાયણમાં 453 પક્ષીને ઈજા થઇ હતી, જ્યારે 12 લોકોને ગંભીર ઈજા થઈ હતી અને 3 જણનાં મોત થયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer