કાંદિવલીના ગુજરાતી યુવકનો રસ્તા પરના ખાડાએ જીવ હણી લીધો

કાંદિવલીના ગુજરાતી યુવકનો રસ્તા પરના ખાડાએ જીવ હણી લીધો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈના રસ્તા પરના ખાડાએ વધુ એકનો જીવ છીનવી લીધો છે. મંગળવારે રાત્રે આરે રોડ પરના ખાડાને કારણે બાઈકસવાર ગુજરાતી યુવક પડી જતાં એ ગંભીર રીતે ઘવાયો હતો અને રવિવારે તેનું મૃત્યુ થયું હતું.
સંકેત દીપક શાહ (29) નામનો ગુજરાતી તરુણ મંગળવારે રાત્રે નોકરીથી તેની મોટરબાઈક પર કાંદિવલી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે આરે રોડ પર પિકનિક પોઈન્ટ પાસે રસ્તા પરના ખાડાને લીધે બાઈક પરનું તેનું બેલેન્સ જતું રહ્યું હતું અને તે પડી ગયો હતો. આ ઘટના રાત્રે 9.15 વાગ્યે  બની હતી.
તેણે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને નાકમાં જોરદાર માર વાગ્યો હતો અને લોહી નીકળવાની શરૂઆત થઈ હતી. બાઈક પર તેની સાથે તેનો સહ-કર્મચારી પણ હતો અને તેને કોઈ ઈજા થઈ નહોતી.
તરત જ સંકેત શાહને સેવન હિલ્સ હૉસ્પિટલમાં બેભાનાવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી કાંદિવલીની લાઈફલાઈન હૉસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યો હતો.
સંકેત સારવાર દરમિયાન ભાનમાં આવ્યો જ નહોતો અને રવિવારે તેનું અવસાન થયું હતું. તેના પરિવારનું તે એકમાત્ર સંતાન હતું.
દરમિયાન સંકેતના પરિવારની સંમતિથી તેના ચક્ષુ અને ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. સંકેતના અન્ય અવયવોનું દાન તબીબી કારોણોસર શક્ય બન્યું નહોતું. સાંજે કાંદિવલીના સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer