અકસ્માત ટાળવા લોકલ ટ્રેનના દરેક દરવાજા પર બ્લૂ બલ્બ ઝળહળશે

અકસ્માત ટાળવા લોકલ ટ્રેનના દરેક દરવાજા પર બ્લૂ બલ્બ ઝળહળશે
મુંબઈ, તા. 13 : મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વખતે થતાં અકસ્માતોને રોકવા મધ્ય રેલવેએ એક અનોખી અને મહત્ત્વની પહેલ હાથ ધરી છે. હવે લોકલ ટ્રેનના પ્રત્યેક કમ્પાર્ટમેન્ટના દરવાજાની ઉપરના ભાગમાં બ્લૂ રંગનો બલ્બ બેસાડવામાં આવશે. ટ્રેન શરૂ થતાં આ બલ્બ પ્રકાશિત થશે એથી ટ્રેન શરૂ થઈ રહી હોવાની પ્રવાસીઓને જાણ થશે. આનાથી અકસ્માતો રોકવામાં મદદ મળશે એવું રેલવે તંત્રનું માનવું છે.
કેન્દ્રના રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ સંદર્ભમાં આજે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં બતાવ્યા પ્રમાણે ટ્રેન ચાલુ થતાં જ બ્લૂ રંગનો બલ્બ પ્રકાશિત થાય છે.
ગોયલે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, સેફ્ટી ફર્સ્ટ (સૌથી પહેલાં સુરક્ષા) લોકલ ટ્રેનના પ્રત્યેક દરવાજા પર બ્લૂ રંગનો બલ્બ પ્રકાશિત થતાં તે ચાલુ થઈ ગઈ છે એવી સૂચના પ્રવાસીઓને મળશે. એટલે છેલ્લે છેલ્લે દોડીને લોકલમાં ચડતા થતાં અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
મુંબઈના રેલવે સ્ટેશનો પર ઘણા પ્રવાસીઓ લોકલ ચાલુ થઈ ગયા બાદ પણ તેને પકડવાની કોશિષ કરતા હોય છે અને કેટલીક વાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. લોકલ ઉપડી ગઈ છે એ લોકોને હવે દૂરથી દેખાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer