આર્થિક અનામતનો સૌપ્રથમ અમલ ગુજરાતમાં

આર્થિક અનામતનો સૌપ્રથમ અમલ ગુજરાતમાં
આજથી સામાન્ય વર્ગ માટે 10 ટકા અમલની મુખ્ય પ્રધાન  રૂપાણીએ કરી ઘોષણા
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,તા.13: દેશમાં નોકરી અને શિક્ષણમાં આર્થિક આધારે અનામત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં સુધારો કરતો ઐતિહાસિક કાયદો ઘડયા બાદ શનીવારે રાષ્ટ્રપતિએ તેનાં ઉપર મંજૂરી મહોર મારી હતી અને તેનાં બીજા જ દિવસે ગુજરાતની ભાજપ સરકારે એલાન કરી દીધું છે કે મકરસંક્રાંતિ એટલે કે 14મી જાન્યુઆરીથી જ રાજ્યમાં આ 10 ટકા આર્થિક અનામતનો અમલ શરૂ થઈ જશે. આ સાથે જ આર્થિક ધોરણે કેન્દ્રે આપેલી અનામતની વ્યવસ્થાનો અમલ કરનાર સૌપ્રથમ રાજ્ય પણ ગુજરાત બની ગયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરેલી જાહેરાત અનુસાર 14 જાન્યુઆરી, 2019 પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઇ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવાપાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે. 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, 14 જાન્યુઆરી, 2019 પહેલા જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત મૌખિક પરીક્ષા તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઇ છે તેને આ અનામતનો લાભ લાગુ થઇ શકશે નહીં. 
ભરતી માટેની પ્રક્રિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે. આ 10 ટકા અનામત એસસી, એસટી અને એસઇબીસીને મલવાપાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે.
આ લોકોને નહીં મળે લાભ 
14મી જાન્યુઆરી પહેલા ભરતીની લેખિત પરીક્ષા લેવામાં આવી હોય તેવા ઉમેદવારોને નોકરીમાં આર્થિકનો લાભ નહીં મળે. પરંતુ જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ પરીક્ષા હજુ બાકી હોય તેવી તમામ જગ્યાઓમાં સવર્ણ અનામતનો લાભ આપવામાં આવશે. 
અનામતનો લાભ મેળવવા શું જરૂર પડી શકે છે?
આવકનું પ્રમાણપત્ર- તાલુકા કે જનસેવા કેન્દ્રમાંથી આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે.
જાતિનું પ્રમાણપત્ર - આ અનામતનો લેવા માગતાં લોકોએ પોતે સામાન્ય વર્ગમાંથી આવતાં હોવાનું પુરવાર કરવાં જાતિનું પ્રમાણપત્ર આપવું પડશે.
આવાસ અને જમીનનાં દસ્તાવેજ - મકાન અને ખેતીની જમીનનાં ક્ષેત્રફળને પણ માપદંડમાં સમાવવામાં આવેલા હોવાથી નિર્ધારિત મર્યાદાથી ઓછું ક્ષેત્રફળ પુરવાર કરવાં માટે દસ્તાવેજોની જરૂર પડશે.
કોને મળશે અનામતનો લાભ ? 
  • વાર્ષિક 8 લાખથી ઓછી આવક        
  • 5 એકરથી ઓછી ખેતીલાયક જમીન ધરાવતા લોકો
  • 1000 ચો.ફુટથી નાના મકાન માલિક
  • કોર્પોરેશનની હદમાં આવતી 100 ગજથી ઓછી જમીનના માલિક
  • નિગમની હદ બહાર 200 ગજથી ઓછી જમીન ધરાવતા લોકો

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer