`બેસ્ટ'' હડતાળ : આજે હાઈ કોર્ટ રસ્તો કાઢશે ?

મુંબઈ, તા. 14 : સળંગ સાતમા દિવસે `બેસ્ટ' કર્મચારીઓની હડતાળ ચાલુ છે. `બેસ્ટ'ના ઇતિહાસમાં પ્રથમ વેળા જ હડતાળ અઠવાડિયા સુધી ચાલુ છે. દરમિયાન `બેસ્ટ' હડતાળ સંદર્ભમાં મુંબઈ હાઈ કોર્ટે નીમેલી ત્રણ સભ્યોની સમિતિ આજે કોર્ટમાં શું અહેવાલ રજૂ કરે છે તેના પર હડતાળનું ભવિષ્ય અવલંબશે એમ જણાય છે.
જ્યારે બીજી બાજુ હડતાળને લઈ બેસ્ટ કામગાર ક્ષેત્રમાં શિવસેનાનો દબદબો ખતમ થયાનું અને કટ્ટર શિવસૈનિક મનાતા કામગારોનો શિવસેના પરથી કાયમ માટેનો વિશ્વાસ ઊઠી ગયાનું વાતાવરણ છે ત્યારે તેનો ફાયદો ઉઠાવવા માટે ભાજપ હડતાળ પાછી ખેંચાય માટે કામગાર નેતા અને બેસ્ટ તંત્ર વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે એમ જણાય છે. આ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખુદ મધ્યસ્થી કરનાર હોઈ સોમવારે હડતાળનો અંત આવી શકે છે.
`બેસ્ટ'ની બેમુદત હડતાળ પછી કામગારોને કૉંગ્રેસ સહિત રાષ્ટ્રવાદી, સમાજવાદી પક્ષ, મનસે અને અન્ય પક્ષોએ ટેકો આપ્યો છે પણ ભાજપે ખુલ્લી રીતે કોઈનો પણ પક્ષ લીધો નથી. હવે શિવસેનાથી નારાજ બેસ્ટ કામગારોને રીઝવવાની ભાજપે શરૂઆત કરી છે. `બેસ્ટ' પરથી શિવસેનાની રહીસહી પકડ પણ જતી રહે તે માટે કહેવાય છે કે ભાજપ મુખ્ય પ્રધાન અને કામગાર નેતા વચ્ચે બેઠકનું આયોજન કરશે. તેને લઈ આજે મુખ્ય પ્રધાન, કામગાર નેતા શશાંક રાવ, બેસ્ટના જનરલ મેનેજર સુરેશકુમાર બાગડે, પાલિકાઆયુક્ત અજોય મહેતાની સંયુક્ત બેઠક થશે, એમ જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer