દેશભરના સાત કરોડ વેપારીઓ વૉટ બૅન્ક ઊભી કરે છે

દેશભરના સાત કરોડ વેપારીઓ વૉટ બૅન્ક ઊભી કરે છે
નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રમાં જુદીજુદી સરકારોના વેપારી પ્રત્યેના અભિગમ કે નીતિને લઈને નાખુશ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)એ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત સાત કરોડ ટ્રેડર્સની મજબૂત એકતા સાધીને રાજકીય પક્ષોનું નાક દબાવવા મેદાનમાં ઊતરવાની વ્યૂહરચના ઘડી કાઢી છે.
લોકસભાની 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં દેશભરમાં આ ઝુંબેશને વ્યાપક બનાવવા એક દેશ, એક ટ્રેડર અને એક વોટના નારા સાથે વોટ બૅન્કનો પ્રારંભ કરાશે. ભોપાળમાં બે દિવસથી ચાલી રહેલી કેઈટની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં વેપારીઓએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.
રાજકીય પક્ષોએ અત્યાર સુધી ટ્રેડિંગ કોમ પ્રત્યે લગભગ વેપાર-બેપરવાહીની નીતિ જ દાખવી છે. હવે સમય આવ્યો છે અને આ ચાલી આવેલી પદ્ધતિને નામશેષ કરવાનો કેઈટની મિટિંગમાં નિર્ણય લેવાયો છે અને આ સંબંધિત ઠરાવને મિટિંગમાં ઉપસ્થિત રહેલા 24 રાજ્યોના 200 વેપારી આગેવાનોએ સર્વસંમતિથી પસાર કર્યો છે.
વેપારી કોમને સમજાઈ રહ્યું છે કે રાજકીય પક્ષોએ હવે તેઓ તરફ લક્ષ આપવાનું શરૂ કર્યું છે. એક તો તેઓની બહુસંખ્યા તથા જીડીપી તેમ જ સામાજિક તથા ધાર્મિક સંગઠનોમાં તેઓનો જે પ્રભાવ રહ્યો છે તે રાજકીય પક્ષો પણ સમજવા લાગ્યા છે. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પણ ચૂંટણી ઝુંબેશ વેપારીઓને મળવા લાગ્યા છે અને પક્ષના ચૂંટણી પ્રચાર અર્થેનું જાહેરનામું ઘડવા માટે યોગ્ય - સલાહ આપવા સૂચન પણ કર્યું હતું.
અત્યારે દેશમાં લગભગ 7 કરોડ નાના-મોટા વેપારીઓ દેશના લગભગ 45 કરોડને રોજગારી પૂરી પાડે છે અને આ વેપારીઓ દેશમાં રૂા. 42 લાખ કરોડનો બિઝનેસ જનરેટ કરી રહ્યા છે. દેશમાં કૃષિક્ષેત્ર પછી બીજા નંબરે રીટેલ ટ્રેડ છે.
કેઈટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે આજે દેશમાં વોટ બૅન્કના રાજકારણની બોલબાલા છે અને બધા રાજકારણીઓ `વોટ બૅન્ક'ની વાત સાંભળે છે. વેપારીઓ તન, મન અને ધનથી રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપી રહ્યા છે છતાં રાજકીય પક્ષો દ્વારા તેઓની થતી અવગણના અને કનડગત હવે ચલાવી નહીં લેવાય.
વેપારીઓને સહાયભૂત થવા હાલ કોઈ ફાઇનાન્સિયલ યંત્રણા નથી અને સરકારની નીતિઓ નાના વેપારીઓને જાણે કચડી નાખે છે. અમે આ બધી સમસ્યાઓનો અંત લાવવા માગીએ છીએ. કેઈટના પ્રમુખ બીસી ભરતિયાએ કહ્યું હતું કે પહેલા વેપારીઓ અને પછી રાજકીય પક્ષો હવે વોટ બૅન્કનું સૂત્ર બની રહેશે.
અમે ટ્રેડરો માટે વિવિધ રાજકીય પક્ષો પાસેથી ચૂંટણી માટેની બેઠક - ટિકિટો માગશું ત્યારે લોકસભાની ચૂંટણી આ હેતુ માટે મહત્ત્વની બની રહી છે, એમ કહેવું ખોટું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer