ટી-20 શ્રેણી જીવંત : ઓકલૅન્ડમાં ટીમ ઇન્ડિયાની 7 વિકેટે જીત

ટી-20 શ્રેણી જીવંત : ઓકલૅન્ડમાં ટીમ ઇન્ડિયાની 7 વિકેટે જીત
મૅન અૉફ ધ મૅચ કૃણાલ પંડયાની 28 રનમાં 3 વિકેટ: સુકાની રોહિતની આક્રમક અર્ધસદી
ઓકલેન્ડ, તા.8: બીજા ટી-20 મેચમાં 7 વિકેટે જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ ન્યુઝિલેન્ડ વિરુદ્ધની શ્રેણી જીવંત રાખી છે. મેન ઓફ ધ મેચ કુણાલ પંડયાની 28 રનમાં 3 વિકેટ બાદ સુકાની રોહિત શર્મા સહિતના બેટધરોના ઉમદા દેખાવને લીધે ટીમ ઇન્ડિયાએ આજના મેચમાં કિવિ સામે પ્રભાવી પ્રદર્શન કરીને સાત દડા બાકી રાખી જીત મેળવી હતી. ત્રણ મેચની ટી-20 શ્રેણી હવે 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આખરી અને ફાઇનલ ટક્કર રવિવારે હેમિલ્ટનમાં થશે. ન્યુઝિલેન્ડે પહેલો દાવ લઈને 20 ઓવરમાં 8 વિકેટે 1પ8 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. જે ભારતે 7 દડા બાકી રાખીને 18.પ ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 162 રન કરી લીધા હતા અને 7 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો.
રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમીને 29 દડામાં 4 છક્કા અને 3 ચોક્કાથી તાબડતોબ પ0 રન કર્યા હતા. તેના અને શિખર ધવન વચ્ચે પહેલી વિકેટમાં પ6 દડામાં 79 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. ધવને 31 દડામાં 2 ચોક્કાથી 30 રન બનાવ્યા હતા. જ્યારે યુવા રીષિભ પંતે જવાબદારીથી બેટિંગ કરીને 28 દડામાં 4 ચોક્કા અને 1 છક્કાથી 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. અનુભવી ધોની (17 દડામાં અણનમ 20)એ તેનો બખૂબી સાથ આપ્યો હતો. તે બન્ને વચ્ચે 44 રનની અતૂટ ભાગીદારી થઇ હતી.
આ પહેલા કિવિ ટીમે મીડલઓર્ડર કોલિન ગ્રેન્ડહોમના 28 દડામાં 4 છક્કા અને 1 ચોક્કાથી પ0 રન અને અનુભવી રોસ ટેલરના 36 દડામાં 42 રનથી 20 ઓવરમાં 8 વિકેટે 1પ8 રન કર્યા હતા. ગયા મેચનો હીરો ટિમ સેફર્ટ (12) પ્રારંભે જ ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. આ પછી કુણાલ પંડયાએ શાનદાર સ્પિન બોલિંગ કરી હતી અને કોલિન મૂનરો (12), ડેરિલ મિશેલ (1) અને સુકાની કેન વિલિયમ્સન (20)ને આઉટ કરીને કિવિ ટીમને દબાણમાં લીધી હતી. આ પછી ગ્રેંડહોમ અને ટેલરે 77 રનની પાંચમી વિકેટમાં ભાગીદારી કરી હતી. આથી કિવિ ટીમની ઇનિંગ સ્થિર બની હતી, જો કે આમ છતાં તેઓ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહીને 1પ8 રને અટકી ગયા હતા. ભારત તરફથી કુણાલ પંડયાએ 28 રનમાં 3 અને ખલીલે 27 રનમાં 2 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer