શરદ પવારે હવે લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા

તેઓ માઢામાંથી ઉમેદવારી નોંધાવે એવી શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે લોકસભાની ચૂંટણી હવેથી પોતે નહીં લડે એવી જાહેરાત વર્ષ 2014માં કરી હતી, પરંતુ આ વખતે તેમણે પોતે માઢામાંથી લોકસભાની ચૂંટણી લડશે એવા સંકેતો આપ્યા છે. તેથી રાષ્ટ્રવાદીના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન વિજયસિંહ મોહિતે-પાટીલનું પત્તું કપાય એવી શક્યતા છે.
પવારે આજે પુણેમાં જણાવ્યું હતું કે લોકસભાની માઢા બેઠક ઉપરથી મારે ચૂંટણી લડવી એવી માગણી વિજયસિંહ મોહિતે-પાટીલે કરી છે. મારી ચૂંટણી લડવાની ઇચ્છા નથી, પરંતુ આ બાબતે વિચાર કરીને કહીશ એમ પવારે ઉમેર્યું હતું.
રાષ્ટ્રવાદી વતીથી માઢામાંથી ચૂંટણી લડવા માટે સાંસદ વિજયસિંહ મોહિતે પાટીલ અને ભૂતપૂર્વ સનદી અધિકારી પ્રભાકર દેશમુખનાં નામો ચર્ચામાં હતાં. તે સમયે શરદ પવારે નવો ટ્વીસ્ટ આપ્યો છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસે તેમના પક્ષની જે બેઠકો ઉપર વધારે ટિકિટ વાંચ્છુઓ છે તે બેઠકો વિશે પુણેની બારામતી હોસ્ટેલમાં શરદ પવારના વડપણ હેઠળ પુણેની પક્ષના નેતાઓની બેઠક ચાલી રહી છે. તેમાં માઢા, જળગાંવ, શિરૂર, ઉસ્માનાબાદ, નવી મુંબઈ અને કોલ્હાપુર લોકસભા મતદાર સંઘ વિશે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં શરદ પવાર, છગન ભુજબળ, જયંત પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, વિજય સિંહ મોહિત-પાટીલ ઉપસ્થિત હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer