બેધ્યાન રાહદારીઓને શિકાર બનાવતા મોબાઈલચોર

મુંબઈ, તા. 8 : મોબાઈલ ચોરો હવે મુંબઈ પોલીસો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. મોબાઈલ પર બોલવામાં વ્યસ્ત રાહદારીઓ મોટરસાઈકલ પર આવતા મોબાઈલ ચોરોનું નિશાન બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં આવા પ્રકારના ગુના નોંધાયા છે.
એક સમયે શહેરમાં પાકીટમારોની દહેશત હતી. ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા આર્થિક વ્યવહાર થવા લાગ્યા ત્યારથી પાકીટમારોનો ત્રાસ આપોઆપ ઓછો થઈ ગયો. ત્યાર બાદ ઘણાં વર્ષો સુધી સોનાની ચેન ચોરનારાઓએ શહેરમાં ઉત્પાત મચાવ્યો હતો. મોટરસાઈકલ પર આવીને ચેન ખેંચીને જોતજોતામાં ભાગી જતા આ ચોરોની ગુનાની પદ્ધતિ-પાર્શ્વભૂમિકાનો અભ્યાસ કરી, સ્પેશિયલ ટીમ તૈયાર કરી, જામીન ન થાય તેમ જ સખત સજા થાય તે માટે ચોરીની કલમ લગાડી, મુંબઈ-થાણેમાં `મોકા' અંતર્ગત કાર્યવાહી કરી, તેમના લૉકર પણ તપાસીને પોલીસોએ મોબાઈલ ફોનની ચોરી પર નિયંત્રણ આણ્યું છે. તેથી હવે ચોરોએ પોતાનું ધ્યાન મોબાઈલ ફોન પર કેન્દ્રિત ર્ક્યું છે.
મોટરસાઈકલ પર આવીને મોબાઈલ ફોન આંચકીને ભાગી જવાના બનાવ વધી રહ્યા છે. માટુંગા પોલીસ સ્ટેશનના સબઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ખરમાટે અને તેમની ટીમે ગયા અઠવાડિયે આસિફ, સાદિક અસ્લમ નામના બે તરુણોની અટક કરી છે. તેમણે આવા ગુના ર્ક્યાની કબૂલાત કરી છે. મોબાઈલ આંચકીને તેમાનું સિમ કાર્ડ ફેંકી દેવાનું, કેટલાક દિવસ પછી એના માટે ગ્રાહક શોધવાના અને વીસ-પચીસ હજાર રૂપિયાના મોબાઈલ ફોન બેથી ત્રણ હજારમાં વેચી, મળેલા પૈસામાંથી મજા કરવાની તેમની વૃત્તિ હતી.
પોલીસની ટીમે પકડયા ત્યારે આ બંને ફાઈવ ગાર્ડન્સ વિસ્તારમાં શિકાર શોધી રહ્યા હતા. મોબાઈલ પર બોલવામાં અને ગેમ રમવામાં વ્યસ્ત તથા મોબાઈલ પર બોલતાં બોલતાં રસ્તો ઓળંગનારા લોકોને મોબાઇલ ચોર પોતાનું લક્ષ્ય બનાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer