ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં લઠ્ઠાકાંડ : 30નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 8 : દેશના ત્રણ રાજ્યોમાં ફરી એક વખત ઝેરી શરાબનો કહેર વર્તાઇ રહ્યો છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી શરાબ પિવાના કારણે 30 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે તાકીદે તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ બિહાર અને ઉત્તરાખંડ સરકારે પણ કાર્યવાહી શરૂ કરી છે.  ઉત્તરાખંડના બાલૂપુર ગામમાં અને ઉત્તરપ્રદેશના સહારનપુરમાં લઠ્ઠાકાંડના કારણે માતમનો માહોલ સર્જાયો હતો. જેના કારણે ઉત્તરાખંડ સરકારે આબકારી વિભાગના 13 અધિકારી અને કર્મચારી તેમજ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. 
ઉત્તરપ્રદેશના સહારનપુર જીલ્લામાં આવેલા દેવબંધ વિસ્તાર અને કુશીનગરમાં કાચો દારૂ પિવાથી 16 જેટલા લોકોએઁ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 10 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી જીલ્લા પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. આ મામલામાં યોગી સરકારે તપાસનો આદેશ આપ્યો છે. આવી જ રીતે ઉત્તરાખંડના રૂડકીમાં 12 લોકો લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામ્યા છે. જેના કારણે માતમનો માહોલ બન્યો છે. બાલૂપુર ગામમાં તેરમીના ભોજન દરમિયાન અમુક લોકોએ દારૂનું સેવન કર્યું હતું. જેમાંથી આયોજક સહિતના લોકોની તબિયત લથડી હતી અને મૃત્યુ પામ્યા હતા. લઠ્ઠાકાંડની ઘટના જાણમાં આવતાની સાથે ઉત્તરાખંડ સરકારે આબકારી વિભાગના 13 અધિકારી અને કર્મચારીને સસપેન્ડ કર્યા હતા. તેમજ રૂડકી ક્ષેત્રના ઝબરેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer