સ્ટેશનો પર હવે આધુનિક ઇન્ડિકેટર્સ બેસાડાશે

સ્ટેશનો પર હવે આધુનિક ઇન્ડિકેટર્સ બેસાડાશે
મુંબઈ, તા. 8 : પ્લૅટફૉર્મ પર લોકો ટ્રેન આવવાની રાહ જુએ છે, પણ ટ્રેનમાં ચડયા પછી તેમને ખબર પડે છે કે તેઓ તો અન્ય ટ્રેનમાં ચડી ગયા છે. આ એ ટ્રેન નહોતી જેની સૂચના ઇન્ડિકેટર પર અપાઈ હતી. ખરાબ અને જૂનાં ઇન્ડિકેટર ઘણી વખત જીવલેણ નીવડયાં છે, કેમ કે જ્યારે કોઈ પ્રવાસી ખોટી ટ્રેનમાં ચડયા પછી તેને ખબર પડે છે કે ખોટી ટ્રેનમાં ચડયો છે તો તરત ગભરાઈને તે ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારે છે અને ઍક્સિડન્ટને નોતરું આપી બેસે છે.
દહિસર રહેતા એક પ્રવાસીએ કહ્યું કે `હું મારા કામસર દહિસરથી ચર્ચગેટ દરમિયાન અલગ-અલગ સ્ટેશને ઊતરું છું અને મને ઘણી વખત જોવા મળ્યું છે કે ઇન્ડિકેટર ખોટું અને ખરાબ હોય છે. એ ઇન્ડિકેટર પર કોઈ સૂચના ન હોય તો ચાલશે, પણ ખોટી સૂચના હોય તો પ્રવાસીઓની મુશ્કેલી વધી જાય છે. ઇન્ડિકેટર પર અપાયેલી સૂચનનું વેરિફાય કરવા માટે પ્લૅટફૉર્મ પર પ્રવેશેલી ટ્રેનને એકદમ નજીકથી વાંકા વળીને ડેસ્ટિનેશન વાંચવું પડે છે એ ખરેખર ખતરનાક છે. પ્લૅટફૉર્મના ઇન્ડિકેટર પર લખાયું હોય છે અલગ અને ટ્રેન આવે છે અલગ. સૂચના અપાય છે કે વિરારની ટ્રેન આવી રહી છે, પણ એ વખતે બોરીવલી અથવા ભાઈંદરની ટ્રેન હોય છે.'
આ વર્ષે માર્ચ સુધીમાં મધ્ય અને પશ્ચિમ રેલવેનાં દરેક મહત્ત્વનાં સ્ટેશનોએ આઇપી (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) આધારિત ઇન્ડિકેટર બેસાડી દેવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં 50 ટકા જેટલાં ઇન્ડિકેટર આવતા એકાદ મહિનામાં બદલાઈ જશે, જેમાં 500 ઇન્ડિકેટર લાગી જશે. આ નવાં ઇન્ડિકેટર એલઈડી ડિસ્પ્લેવાળાં અને ઉચ્ચ દરજજાનાં છે. એમાં એક્સપેક્ટેશન ટાઇમ દર્શાવાયેલો હશે જેથી ટ્રેન કેટલી મિનિટમાં આવશે એ જાણી શકાશે. એને ચલાવવા માટે કૉમ્પ્યુટર સિસ્ટમ માટે સ્ટૅન્ડબાય અપાય છે જે ઇન્ડિકેટરને કન્ટ્રોલ કરે છે. જો એમાં એક કૉમ્પ્યુટર ખરાબ થાય તો એની જગ્યા તરત બીજું કૉમ્પ્યુટર લઈ લે છે. એ પૂરેપૂરી રીતે અૉપ્ટિકલ ફાઇબર આધારિત હોય છે જેને ઇલેક્ટ્રિસિટી સાથે કોઈ લેવાદેવા નથી હોતી.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે કહ્યું કે અમે પ્રવાસીઓનો પ્રવાસ સરળ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. વિરાર-બોરીવલી દરમિયાન નવાં ઇન્ડિકેટર બેસાડી દેવાયાં છે અને એલઈડી ડિસ્પ્લેવાળાં ઇન્ડિકેટર કારગત સાબિત થઈ રહ્યાં છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer