મુકેશ-નીતા અંબાણીના દીકરાની લગ્નની તારીખ નક્કી થઈ, 9 માર્ચે પ્રભુતામાં પગલાં માંડશે

મુકેશ-નીતા અંબાણીના દીકરાની લગ્નની તારીખ નક્કી થઈ, 9 માર્ચે પ્રભુતામાં પગલાં માંડશે
મુંબઈ, તા. 8 : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશનાં લગ્નની તારીખ જાહેર થઈ છે. આકાશ ડાયમન્ડ મર્ચન્ટ રસેલ મહેતાનાં પુત્રી શ્લોકા મહેતા સાથે નવમી  માર્ચે પ્રભુતામાં પગલાં માંડશે. તેમની સગાઈ ગયા વર્ષે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી માર્ચ મહિનામાં યોજાનારા આ ગ્રાન્ડ મૅરેજની જોરદાર તૈયારીઓ થઈ રહી છે. 
તાજેતરમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશાનાં લગ્ન યોજાયાં હતાં જેમાં દેશભરના દિગ્ગજો સામેલ થયા હતા. નવમી માર્ચે શનિવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં સાંજે 7.30 વાગ્યે આ વૈભવી લગ્ન યોજાશે. રિસેપ્શન 11 માર્ચે એ જ સ્થળે યોજાશે. આ લગ્નમાં દેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
મુકેશ અંબાણી અને  નીતા અંબાણીનાં ત્રણ સંતાનોમાં આકાશ સૌથી મોટો પુત્ર છે અને ઈશા તેની જોડિયા બહેન છે. આકાશ રિલાયન્સના જીઓ ગ્રુપમાં ચીફ સ્ટ્રૅટેજિસ્ટ છે અને તેણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું છે. આકાશને નાનપણમાં ક્રિકેટર બનવું હતું. આઇપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમ અને ફૂટબૉલ લીગ આઇએસએલ સાથે પણ તે સંકળાયેલો છે.
જ્યારે શ્લોકા મહેતા રસેલ મહેતાની નાની દીકરી છે અને તેણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્ર વિષયમાં પદવી લીધી છે. એ ઉપરાંત લંડન સ્કૂલ અૉફ ઇકૉનૉમિક્સમાંથી કાયદાની માસ્ટર ડિગ્રી પણ તેણે મેળવી છે.
હાલમાં તે રોઝી બ્લુ ફાઉન્ડેશનના સામાજિક અને પર્યાવરણ વિભાગમાં કાર્યરત છે. આકાશ અને શ્લોકા નાનપણથી મિત્રો છે અને શાળાનું શિક્ષણ પણ તેમણે સાથે જ લીધું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer