રવિ પૂજારીની ધરપકડ બાદ પોલીસને ખંડણીની એકેય ફરિયાદ નથી મળી

રવિ પૂજારીની ધરપકડ બાદ પોલીસને ખંડણીની એકેય ફરિયાદ નથી મળી
મુંબઈ, તા. 8 : ગૅંગસ્ટર રવિ પૂજારીની સેનેગલમાં ધરપકડ થઈ એને બે અઠવાડિયાં થઈ ગયાં છે અને એ પછી મુંબઈ પોલીસને ખંડણીની ધમકીની એકેય ફરિયાદ મળી નથી.
સિનિયર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગૅંગ તરફથી ખંડણીની ધમકી મળતી હોય એની દર પખવાડિયે ત્રણથી ચાર ફરિયાદ મળતી હોય છે. 22 જાન્યુઆરીના રવિ પૂજારીની ધરપકડ થઈ એ પછી ખંડણીની ધમકીઓ સાવ બંધ થઈ ગઈ છે. આનું કારણ એ છે કે મુંબઈમાં ખંડણીની જે કોઈ ધમકી આવતી હતી એમાંથી 50 ટકા ધમકી રવિ પૂજારી ગૅંગ તરફથી આવતી. બીજું એ કે પૂજારીની ધરપકડને કારણે મુંબઈમાં અન્ડરવર્લ્ડ ગૅંગના અૉપરેશનમાં પણ ફેરફાર આવશે.
મુંબઈમાં પૂજારી ગૅંગનો ગુંડો ઈજાઝ લાકડાવાલા ખંડણીની મોટા ભાગની ધમકી આપતો. લાકડાવાલા કૅનેડામાંથી અૉપરેટ કરે છે અને ત્યાં એ નામ બદલીને રહે છે.
લાકડાવાલા મુસ્લિમ બીલ્ડરો અને ફિલ્મસ્ટારોને ટાર્ગેટ કરવા માટે જાણીતો છે. તે મુંબઈનો છે અને નાલાસોપારા એનો ગઢ છે. છોટા શકીલના ગુંડાની હત્યાનો પ્રયાસ કરવાના આરોપસર લાકડાવાલાને પકડી તેને નાશિકની જેલમાં પુરવામાં આવ્યો હતો, પણ 1988માં તે ત્યાંથી ભાગી ગયો હતો. પછી તે છોટા રાજનની ગૅંગમાં જોડાયો હતો.
2003માં દાઉદ ગૅંગે લાકડાવાલની હત્યા કરવાનો પ્રયત્ન પણ કરેલો. 2004માં કૅનેડામાં ઓટાવા પોલીસે તેની અટક પણ કરેલી. જોકે, ભારત-કૅનેડા વચ્ચે પ્રત્યાર્પણની સંધિ ન હોવાથી કૅનેડાની પોલીસે તેને છોડી મૂકેલો.
લાકડાવાલા ઉપરાંત ઘાટકોપરમાં જન્મેલો સુરેશ પૂજારી થાણે અને એની આસપાસના વિસ્તારોમાં અૉપરેટ કરે છે. પોલીસના ભયથી 2007માં એ ભારતમાંથી ભાગી ગયો હતો અને હજી ખંડણીની ધમકીઓ આપે છે. હવે રવિ પૂજારી અંદર થઈ ગયો હોવાથી સુરેશ પૂજારીની ખંડણીની ધમકીઓ વધે એવી શક્યતા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer