સુપ્રીમ કોર્ટનો માયાવતીને ઝટકો

સુપ્રીમ કોર્ટનો માયાવતીને ઝટકો
હાથીની મૂર્તિઓ અને સ્મારક પર ખર્ચ કરેલાં નાણાં પાછાં આપવા જણાવ્યું
નવી દિલ્હી, તા. 8 : સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને ઝટકો આપ્યો છે. અદાલતે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન બનાવાયેલા હાથીના સ્મારકો અને તેમની ખુદની મૂર્તિઓ પર ખર્ચ થયેલા નાણા પાછા આપવાનો આદેશ કર્યો છે. 2009માં દાખલ થયેલી એક અરજીની સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ આદેશ કર્યો હતો અને મામલાની વધુ સનાવણી માટે બીજી એપ્રિલની તારીખ નિયત કરી હતી.
માયાવતીના ધારાશાત્રીએ આ કેસની સુનાવણી મે પછી કરવાની અપીલ કરી હતી પણ સર્વોચ્ચ અદાલતે તે અપીલ માન્ય રાખી નહોતી, કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ દર્શીય રીતે બસપા પ્રમુખે મૂર્તિઓના ખર્ચ કરેલા જનતાના નાણા પરત આપવા પડશે.
ઉલ્લખનીય છે કે, માયાવતી મુખ્યમંત્રી હતા ત્યારે ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ બસપાના ચૂંટણીચિહ્ન હાથીની અને પોતાની પ્રતિમાઓ લગાવી હતી, અખિલેશ સરકારના લખનઉ વિકાસ સત્તા મંડળના હેવાલમાં દાવો કરાયો હતો કે લખનઉ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં માયાવતીએ બનાવેલા વિવિધ પાર્ક પાછળ કુલ રૂા. 5919 કરોડનો ખર્ચ કરાયો હતો. અખિલેશ યાદવે માયાવતી પર 40 હજાર કરોડના મૂર્તિ કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. નોઈડાના દલિત પ્રેરણા સ્થળ પર હાથીની પથ્થરની 30 અને કાંસ્યની 22 પ્રતિમા લગાવાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer