ભારતનાં દરેક ઘરને ડિજિટલ બનાવીશું : પીયૂષ ગોયલ

ભારતનાં દરેક ઘરને ડિજિટલ બનાવીશું : પીયૂષ ગોયલ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.8 : વર્ષ 2022 સુધીમાં ભારતના દરેક નાગરિકોને પોતાનું ઘર અપાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અમે નવી સરકારમાં પુરુ કરીશું જ, એટલું જ નહીં અમે દરેક ઘરને વીજળી, શૌચાલયની મૂળભૂત સુવિધાઓ આપીશું અને તે સાથે દરેક ઘરને ડિજિટલ બનાવવાનું અમારુ લક્ષ્ય છે, એમ નાણા પ્રધાન પિયુષ ગોયલે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બજેટ વિશે આયોજિત એક ચર્ચાસત્રમાં જણાવ્યું હતું. 
તે સાથે દેશમાં 14.5 કરોડ જેટલા નાના ખેડૂતોને નડતી સમસ્યા ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું, આ વચગાળાના બજેટમાં પણ ખેડૂતોના વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ લાભ જાહેર કરવામાં આવ્યા છે, એમ ગોયલે જણાવ્યું હતું.
દેશમાં 60 વર્ષની ઉંમરના વરિષ્ઠ નાગરિકોના સન્માનાર્થે સરકાર વિવિધ પગલા લેશે, એવી ખાતરી નાણા પ્રધાને આપી હતી. તેમણે ઉમેર્યું કે, દેશમાં 42 કરોડ કર્મચારીઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, તેમના કલ્યાણ માટે `આયુષ્યમાન ભારત' યોજના અંતર્ગત તેમને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેની તકેદારી પણ રાખવામાં આવશે.  
દેશમાં વિકાસના જેટલા પણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેમાં પચાસ ટકાથી પણ વધુ મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલી રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું હતું. 
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બજેટમાં ખર્ચ ઉપર નહીં પરંતુ રોકાણ ઉપર ધ્યાન આપવુ જોઈએ. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer